આધુનિક માનવીને આધ્યાત્મિક પ્રોગ્રેસની જરૂર: અપૂર્વમુનિ


રાજકોટ તા.13
વિશ્ર્વવંદનીય પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજનો 98મો જન્મજયંતી મહોત્સવ રાજકોટ ખાતે ઉજવાશે. જે અંતર્ગત સમગ્ર વર્ષ દરમિયાન રાજકોટ શહેરમાં વિવિધ સામાજીક અને આધ્યાત્મિક કાર્યક્રમો યોજાનાર છે જે અંતર્ગત કાલે રાજકોટ બીએપીએસ સ્વામીનારાયણ મંદિર તથા લોધીકા જીઆઈડીસી ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશન દ્વારા ડેકોરા ભવન, મેટોડા ખાતે રાજકોટ લીડર્સ સેમીનારનું આયોજન કરાયું હતું.
ડેકોરા ભવન, મેટોડા ખાતે યોજાયેલ કોન્ફરન્સમાં ઉપસ્થિત સો ઉદ્યોગપતિઓ સમક્ષ કાર્યક્રમની શરુઆતમાં પ્રેરણાત્મક વીડીયો શો રજુ કરવામાં આવ્યો હતો. ભારતીય પરંપરા મુજબ યુવકો દ્વારા માંગલીક પ્રાર્થના કરવામાં આવી હતી. ત્યારબાદ કાર્યક્રમના મંચ પર ઉપસ્થિત રાજકોટ મંદિરના કોઠારી બ્રહ્મતીર્થ સ્વામી, અપૂર્વમુતિ સ્વામી તથા લોધીકા જીઆઈડીસી ઈન્ડસ્ટ્રીયલો એસોસીએશનના પ્રમુખ બીપીનભાઇ હદવાણી અને સેક્રેટરી રમેશભાઇ વોરાએ દીપ પ્રાગટય કરી કોન્ફરન્સની શુભ શરૂઆત કરાવી હતી. પ્રગતિશીલ રાજકોટના ઉદ્યોગપતિઓને રાજકોટ મંદિરના સંત નિર્દેશક પૂજય અપૂર્વમુનિ સ્વામીએ ‘પાથ ઓફ પ્રોગ્રેસ’ વિષય પર પ્રેરક ઉદબોધનનો લાભ આપ્યો હતો. જેમાં સૌ ઉદ્યોગપતિઓને ફીઝીકલ પ્રોગ્રેસ, ઈકોનોમીકલ, પ્રોગ્રેસ, સોશીયલ પ્રોગ્રેસ, મેન્ટલ પ્રોગ્રેસ તથા સ્પીરીચ્યુઅલ પ્રોગ્રેસ આ પાંચ મુદ્દા પર વિવિધ પ્રેઝન્ટેશન વીડીયો દ્વારા ખુબ સુંદર રીતે પ્રેરક ઉદબોધનનો લાભ આપ્યો હતો. જેમાં તેઓએ જણાવ્યું કે, કદાચ કંપનીને સફળતાના શિખરો પર પહોંચાડી શકીએ પરંતુ પરીવારની અંદર સફળતા પ્રાપ્ત કરવી એ માઉન્ટ એવરેસ્ટના શિખર સુધી પહોંચવા કરતા પણ વધુ કઠીન છે અને એટલે જ આજના આધુનિક માનવીને શારીરીક, આર્થિક, સામાજીક અને માનસીક પ્રોગ્રેસની સાથે સાથે જરૂર છે આધ્યાત્મિક પ્રોગ્રેસની. વૈજ્ઞાનિકો પણ હવે ઈન્ટેલીજન્ટ કવોશન્ટ, ઈમોશનલ કવોશન્ટની સાથે સ્પીરીચ્યુઅલ કવોશન્ટનો સ્વીકાર કરતા થયા છે. પ્રમુખસ્વામી મહારાજની આધ્યાત્મિક પ્રગતિથી અભિભૂત થઇ વિશ્ર્વના શ્રેષ્ઠ વૈજ્ઞાનિક અને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો.અબ્દુલ કલામે પ્રમુખસ્વામી મહારાજ પર પુસ્તક લખ્યું છે જેમાં તેઓ પ્રમુખસ્વામી મહારાજને એમના ‘અલ્ટીમેટ ટીચર’ ગણાવી જણાવે છે કે ‘પ્રમુખસ્વામી મહારાજે મને ભગવાનની ભ્રમણ કક્ષામાં મુકી દીધો છે’ જે પ્રભાવ સ્પીરીચ્યુઅલ પ્રોગ્રેસનો છે. જીવનમાં બધા જ પ્રોગ્રેસ હોવા છતાં પણ જો સ્પીરીચ્યુઅલ પ્રોગ્રેસ ન હોય તો અંતરમાં શાંતિનો અનુભવ થતો નથી. એ વાત પ્રમુખસ્વામી મહારાજે આપણને સૌ કોઇને શીખવી છે.
કોન્ફરન્સમાં લોધીકા જીઆઈડીસી ઈન્ડસ્ટ્રીઅલ એસોસીએશન અંતર્ગત આવતી 700 જેટલી ઈન્ડસ્ટ્રીઝના માલીકો, પાર્ટનર્સ, ડીરેકટર્સ, મેનેજર્સ આ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહ્યા હતા.