ગોંડલ-ચોટીલા શોર્ટકટ હાઇ-વેનું નિર્માણ કરો

રાજકોટની ગોંડલ ચોકડીએ ટ્રાફીક ભારણ ઘટાડવા ફાલ્કન ગ્રુપના એમ.ડી.નું સરકારને સૂચન રાજકોટ તા.13 રાજકોટ-ગોંડલ હાઈવે ઉપર વાહન વ્યવહારનો ભારે ટ્રાફીક રહેતો હોવાથી જુનાગઢ, સોમનાથ, પોરબંદર વિગેરે જિલ્લાઓમાંથી અમદાવાદ કે તેની ઉપર જતા વાહનો માટે ગોંડલથી ચોટીલા સુધીના નવા હાઈ-વેનું નિર્માણ કરવા ફાલ્કન કંપનીના મેનેજીંગ ડાયરેકટર ધીરુભાઇ સુવાગીયાએ કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાને લેખિત સૂચન સાથે રજુઆત કરી છે.
આ નવા હાઈ-વેનું નિર્માણ થાય તો શાપર-વેરાવળ ઔદ્યોગીક વસાહત અને રાજકોટ વચ્ચેના ટ્રાફીકનું ભારણ ઘટી શકે તેમ છે તેમજ પોરબંદર, જુનાગઢ તથા ગીર સોમનાથ જીલ્લામાંથી અમદાવાદ તરફ જતા વાહનોને 33 કી.મી.નું અંતર પણ ઘટી જાય તેમ છે તેથી ઈંધણ અને સમયનો પણ બચાવ થઇ શકે તેમ છે.
ધીરજલાલ સુવાગીયાએ જણાવેલ છે કે, આજના ઝડપી યુગ તેમજ ઝડપથી વિકસતા ઉદ્યોગોને લઇને ગોંડલ-રાજકોટ એનએચ-27 પર સવાર-સાંજ કાર, મોટરસાઈકલ, રીક્ષા, ટ્રક, ટેમ્પો, બસ, ટ્રેકટર વગેરેનો ભયંકર ટ્રાફીક રહે છે. ટ્રાફીક રહેવાનું મુખ્ય કારણ ઈન્ડસ્ટ્રીયલ ઝોન તથા સોમનાથ, કેશોદ, જુનાગઢ, પોરબંદર, ઉપલેટા, જામજોધપુર, ધોરાજી, જેતપુર, ઉના, કોડીનાર, વિસાવદર, માણાવદર વગેરે જેવા અનેક શહેરનો ટ્રાફીક રહે છે તો આ શહેરોનો 50% ટ્રાફિક ગોંડલથી ઈન્ડસ્ટ્રીયલ ઝોન રાજકોટ સિટી થઇને જવાને બદલે ગોંડલથી ડાયરેકટ ચોટીલા નો હાઈ-વે થઇ જાય તો એ તમામ ટ્રાફિક ગોંડલથી વાયા રાજકોટને બદલે સિધો ચોટીલા વાળી શકાય. આ ગોંડલ-ચોટીલા હાઈ-વે નિર્માણ થાય તો 43+55=98 કી.મી.ના બદલે 65 કી.મી. થઇ જાય તો ટ્રાન્સપોર્ટ તેમજ રનીંગ આવતા જતા લોકોનો પણ ટાઈમ બચે તેમજ આ રોડથી 33 કી.મી.નું અંતર ઘટી જાય તો દેશની મહામુલ્ય ફ્યુઅલમાં પણ બચત કરી શકાય તેમ છે. એક લોડેડ ટ્રકનો પ્રતિ કી.મી. ટોટલ ખર્ચ 20રૂા. પ્રમાણે પ્રતિ ટ્રક 660 રૂા.ની તેમજ એક કલાકના સમયની બચત થાય, ખુબ મોટા પ્રમાણમાં ડિઝલ-પેટ્રોલની બચત થાય. ગોંડલ સર્કલે વારંવાર ટ્રાફીક જામ થાય એ બિલકુલ ન થાય, ગોંડલ સર્કલે કોઇ મોટા ઓવર બ્રીજની જરૂરીયાત ન રહે.
આ સિવાય ગોંડલ-ચોટીલા શોર્ટકટ રોડને રિબડાથી, ચિત્રાવાવ (સરધાર-કોટડા સાંગાણી વચ્ચે) ગામ વચ્ચે નકશામાં દર્શાવ્યા પ્રમાણે જોડી દેવામાં આવે તો, શાપર-વેરાવળ-હળમતાળા વગેરેનો ઓલ ઈન્ડીયા ટ્રાફીક રાજકોટ સિટીને બદલે ડાયરેકટ ચોટીલા વાળી શકાય. આ રીતે રાજકોટ-નવાગામથી ગોંડલ સુધીના એનએચ-27 પરનો ટ્રાફીક 50% કરતા વધારે ઘટાડી શકાય, ભવિષ્યમાં આ શોર્ટ કટ પર નવો ઈન્ડસ્ટ્રીયલ ઝોન અથવા નવી જીઆઈડીસી પણ બનાવી શકાય. આ પત્રની એક નકલ ગુજરાતના મુખ્યમંત્રી ઉપરાંત નાયબ મુખ્યમંત્રી તથા ઔદ્યોગીક અને વેપારી સંગઠનો ઉપરાંત કેન્દ્રીય પરીવહનમંત્રી તથા લાગતા-વળગતા ધારાસભ્યોને પણ મોકલી યોગ્ય કરવા જણાવાયું છે.