ઓનલાઈન રજિસ્ટ્રેશનમાં અખાડા; તુવેરની ખરીદી અટકી

ઓફલાઈનમાં નોંધણી કરાવી 2000 ખેડૂતો લાઈન ખૂલવાની રાહમાં: ભારે રોષની લાગણી
રાજકોટ તા.13
રાજયમાં ખેડુતોને તુવેરના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સરકારે નાફેડ સાથે સંકલન કરી તુવેરની ખરીદી કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. રાજકોટ યાર્ડમાં જિલ્લા ખરીદ-વેચાણ સંઘ તુવેરની ખરીદી કરવાનું હતું. પરંતુ સરકારની ઓનલાઈન રજીસ્ટ્રેશનની વેબસાઈટ ખરા સમયે જ મુદતમાં બંધ રહેતા તુવેરની ખરીદી અટકી છે અને જગતનો તાત ફરી મુઝવણમાં મુકાયો છે.
રાજયમાં આ વર્ષે તુરવેરનું 3.14 લાખ મેટ્રીક ટન ઉત્પાદન થયું છે. સરકારે 3 માર્ચના મગફળી બાદ તુવેરની ખરીદી કરવાની જાહેરાત કરી હતી અને પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. આ સાથે જ જિલ્લામાં પ્રથમ તબકકામાં 40 ખરીદ કેન્દ્રો શરૂ કરવા પણ જાહેરાત કરવામાં આવી હતી. ખેડુતોને તુવેરના વેચાણ માટે 5 થી 12 માર્ચ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાની મુદત હતી. પરંતુ રાજકોટ જિલ્લા ખરીદ વેચાણ સંઘના ચેરમેન મગનભાઈ ઘોણીયાએ માહિતી આપતા જણાવ્યુ હતું કે ઓનલાઈન રજિસ્ટ્રેશનની સાઈટ માત્ર 1 દિવસ જ ચાલુ રહી હતી. તેમાં પણ અપુરતું રજિસ્ટ્રેશન થયુ છે. માત્ર 150 ખેડુતોનું અત્યાર સુધી રજિસ્ટ્રેશન થયું છે. બાકીના ખેડુતોએ ઓફ લાઈન રજિસ્ટ્રેશન કરાવ્યુ છે. ઓફ લાઈન રજિસ્ટ્રેશન કરાવવાવાળા 2000 જેટલા ખેડુતો છે. હવે સરકાર તરફથી સૂચના આપ્યા બાદ રાજકોટના જૂના યાર્ડમાં ખરીદી કરવામાં આવશે.
હાલમાં રાજયમાં તુવેરના ટેકાના ભાવથી બજારભાવ નીચા ચાલી રહ્યા છે. કેન્દ્ર સરકારે આ વર્ષે રૂા.5450 પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ જાહેર કરેલા છે. ખેડૂતોને બજારભાવ 3800-4000 ની આસપાસ માંડ મળે છે. તેમજ સરકારે પ્રથમ તબકકામાં જિલ્લામાં 40 ખરીદ કેન્દ્રો શરૂ કરવા કહ્યુ હતુ પરંતુ રાજકોટમાં
માત્ર 1 ની જ મંજુરી મળી છે જે પણ બંધ હાલતમાં છે. રાજકોટ જુના માર્કેટ યાર્ડમાં ફાળવેલ કેન્દ્ર પર ઓનલાઈન રજિસ્ટ્રેશન ન થતા 2000 ખેડૂતોએ ઓફ લાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જેઓ સરકારની ઢીલી નિતીથી મુશ્કેલીમાં મુકાયા છે. ઓનલાઇન રજિસ્ટે્રશનની રાહમાં બેઠેલા ખેડૂતોની તસવીર. જૂનાગઢમાં ખેડૂતોની ધમાલ: પોલીસ બોલાવાઈ
જૂનાગઢની માર્કેટીંગયાર્ડમાં ગઈકાલે પણ ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા બંધ રહેતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. જોકે 4થી 5 કલાક ચાલેલી આ કસરત બાદ પોલીસે આવી પહોંચતા અને યાર્ડના પ્રમુખે દરમિયાનગીરી કરી એજન્સીએ યોગ્ય કરવાની ખાત્રી આપતા મામલો શાંત પડ્યો હતો. સરકારે શનીવારથી ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેની જાહેરાત કરી હતી પરંતુ તુવેર વાવેલ ખેડૂતો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી ન શકતા શનિવારે યાર્ડમાં હોબાળા બાદ સોમવારે પણ એજન્સી દ્વારા ઓનલાઈન કે ઓફલાઈન માટે પુરતી વ્યવસ્થા ન કરાતા ખેડૂતો વિફરયા હતા અને વાતાવરણ તંગ બન્યું હતું. બાદમાં ખાત્રી અપાતા ખેડૂતો શાંત થયા હતા.