સિંચાઈ વિભાગમાં કર્મચારીઓની ભરતીની ગોંડલમાં ઉઠી માંગણી


ગોંડલ,તા.13
રાજકોટ જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગમાં વર્ક આસિસ્ટન્ટની જગ્યાઓ પર નિમણુંક કરવા મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે.
ગોંડલ શહેરના મહાદેવવાહીમાં રહેતા આશિષભાઈ હિરપરા તેમજ તાલુકાના વેકરી ગામે રહેતા જોગેન્દ્રસિંહ ચુડાસમાએ મુખ્યમંત્રીને પત્ર લખી માંગ કરી છે કે રાજકોટ જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ હસ્તક ગોંડલ તેમજ જેતપુર બંને તાલુકાઓમાં છેલ્લા પાંચ વર્ષથી ટેકનિકલ સ્ટાફ ન હોવાને લીધે ચેકડેમ તથા કેનાલનાં કામો થઈ શકતા નથી. હાલ આ બંને તાલુકાઓમાં 130 થી વધુ નાના ચેકડેમો તથા ત્રણથી વધુ મોટી કેનાલો આવેલી છે. કેનાલો હાલ જર્જરિત હાલતમાં છે. ચેકડેમો પણ તુટી ગયેલ છે. હાલ બંને તાલુકામાં એક પણ ટેકનિકલ સ્ટાફ ઘણા વર્ષોથી નથી. જો ચેકડેમો કેનાલના કામો થાય તો બંને તાલુકાનાં ખેડુતોને સિંચાઈનું પુરેપુરૂ પાણી મળી શકે તેમ છે. રાજકોટ જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગમાં પ0 થી વધુ આસિસ્ટન્ટની જગ્યા ખાલી હોય, અત્યારે શિક્ષણ-આરોગ્ય તાલટી કલાર્ક સહિત બધા વિભાગોમાં મંજુરી મળે છે. પણ સિંચાઈ વિભાગમાં મંજુરી મળતી નથી તો તાકીદે મંજુરી આપવા રજુઆત કરાઈ છે.