જામનગરમાં સાત રસ્તા વિસ્તારમાં ઝુંપડાઓના દબાણ હટાવાયા


જામનગર તા.13
જામનગર મહાનગરપાલીકાની એસ્ટેટ શાખા દ્વારા શુક્રવારે કેટલીક ઝુંપડીઓના દબાણો હટાવવામાં આવ્યા હતા.
એસ્ટેટ શાખાઓ, કમિશ્નર આર.વી.બારડની સુચના પ્રમાણે, શુક્રવારે બપોરે સાત રસ્તા વિસ્તારના દબાણોની મુલાકાત લીધી હતી. શુક્રવારે બપોરે 3-4 વાગ્યા સુધીમાં સાત રસ્તા નજીકના દસેક નાના-મોટા ઝુંપડાના દબાણો હટાવાયાનું એસ્ટેટના રાજભા ચાવડાએ જણાવ્યું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં મહાનગરપાલીકાએ સાત રસ્તા નજીકનો સંપૂર્ણ વિસ્તાર દબાણમુકત બનાવેલો પરંતુ છેલ્લા કેટલાક સમયથી નાના-નાના છુટાછવાયા ઝુંપડાઓ તથા ધંધાર્થીઓના લારીગલ્લા ક્રમશ: ગોઠવાઇ રહ્યા હોય, નવેસરથી દબાણ હટાવવાની આ કામગીરી કરવામાં આવી હતી.
થોડા સપ્તાહો પૂર્વે ખંભાળીયા નાકા વિસ્તારને દબાણમુકત બનાવવામાં આવ્યા પછી તે વિસ્તારમાં દબાણકારો પુન: સક્રિય થયાનું અનુભવાઇ રહ્યું છે. એસ્ટેટ શાખાને દબાણ હટાવ કાર્યવાહી સમયે પોલીસતંત્રનો પર્યાપ્ત સહયોગ ન મળતો હોવાની એસ્ટેટ શાખાની લાગણી જુની છે.