જામનગર જીલ્લાના દલિત અરજદારોની અરજીઓની ચકાસણી કરવા સમાજની માંગણી


જામનગર તા.13
ધ્રોલ તાલુકા દલિત સમાજ દ્વારા મુખ્યમંત્રીને વિસ્તૃત પત્ર પાઠવી દલિત અરજદારોની અરજીઓની યોગ્ય ચકાસણી કરવા અને દરકાર અધિકારીઓ વિરૂધ્ધ પગલા લેવા રજૂઆત કરવામાં આવી છે.
તાલુકા સમાજના પ્રમુખ ડી.ડી.વાઘેલાએ આ પત્રમાં જણાવ્યું છે કે, સરકારના વિવિધ વિભાગોના કેટલાક અધિકારીઓ દલિત વિરોધી માનસિકતા ધરાવે છે અને દલિતોની રજૂઆતો કચરાટોપલીમાં પધરાવે છે જેના કારણે દલિતોને આત્મવિલોપનની ફરજ પડે છે. દલિત ઉપવાસીઓ પ્રત્યે તંત્રો ધ્યાન આપતા નથી. ધ્રોલના દલિત મહિલા શારદાબેન ડી.વાઘેલાના કેસમાં કલેકટર દ્વારા ગેરકાયદે હુકમ કરવામાં આવ્યો છે.
આ પત્રમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે ધ્રોલ શહેર તથા તાલુકામાં દલિતોને સાંથણીમાં મળેલી જમીનોના સર્વેવાઇઝ કબજાઓ સોપવામાં આવ્યા નથી. ધ્રોલ તાલુકામાં સર્વે નં.બદલાવવાના કૌભાંડો પણ આચરવામાં આવ્યા છે. પત્રના અંતમાં જણાવવામાં આવ્યું છે કે આ રજૂઆતો સંદર્ભે સ્થાનિક તંત્રો દ્વારા યોગ્ય પગલા ભરવામાં નહીં આવે તો બીજી એપ્રિલથી આંદોલન શરૂ કરવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે.