જામનગરમાં પાંચમા માળેથી પટકાયેલી મહિલાનું મોત


જામનગર તા.13
જામનગરમાં મકવાણા સોસાયટી વિસ્તારમાં એક નવા એપાર્ટમેન્ટનું બાંધકામ ચાલી રહ્યું હતું. જે બાંધકામના સ્થળે કામ કરી રહેલી એક શ્રમિક મહિલાનું પાંચમાં માળેથી નીચે પટકાઇ પડતા ઘટનાસ્થળે જ કરૂણ મૃત્યુ નિપજ્યું છે. તેણીના મૃત્યુના બનાવથી તેના બે માસુમ સંતાનો નોધારા બની ગયા છે.
જામનગરમાં ખડખડનગર વિસ્તારમાં રહેતી મધુબેન ઉકાભાઇ ગુજરાતી નામની 30 વર્ષની યુવતી અન્ય ત્રણ કડીયા અને દાડીયા સહિતની મહિલાઓ સાથે મળીને મકવાણા સોસાયટી વિસ્તારમાં નવા બંધાઇ રહેલા આદિત્ય એપાર્ટમેન્ટના પાંચમાં માળે કડીયા કામની મજુરી કરી રહી હતી જે દરમિયાન પાંચમાં માળેથી નીચે પટકાઇ પડતા તેણીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. બીલ્ડર દ્વારા કોઇ સેફટીના સાધનો વગેરે રાખવામાં ન આવ્યા હોવાથી આ અકસ્માત થયો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. મૃતક મહિલાના બે માસુમ બાળકોએ પોતાની માતાનું છત્ર ગુમાવ્યું છે.
જામનગરની લાપતા તરૂણી રૂપામોરા ગામેથી મળી આવી
જામનગરના ભીમવાસ વિસ્તારમાં રહેતી 1પ વર્ષની વયની એક તરૂણી ગત સપ્તાહે તેણીના ઘરેથી એકાએક લાપતા બની ગઇ હતી અને પરીવારજનો દ્વારા ભારે શોધખોળ કર્યા પછી પણ તેણીનો કોઇ પતો સાંપડયો નહતો. જેથી સગીરાના પરીવારજનોને સીટી બી.ડીવી. પોલીસ મથકમાં ગુમ થયાની તેમજ તેણીનો કોઇ અજ્ઞાત શખ્સ દ્વારા અપહરણ કરી ગયાની ફરીયાદ નોંધાવી હતી. જેને પોલીસ શોધી રહી હતી. દરમિયાન તેણી ભાણવડ પંથકના રૂપામોરા ગામમાં હોવાનું જાણવા મળ્યું હતું. જ્યાંથી સીટી બી.ડીવી.નો પોલીસ સ્ટાફ શોધી લાવ્યો છે અને તેણીની તબીબી ચકાસણી માટે જીજી હોસ્પીટલમાં દાખલ કરાઇ છે. પ્રાથમિક પુછપરછમાં જામનગરના વુલનમીલ વિસ્તારમાં ખેતીવાડી ફાર્મ પાસે રહેતો અલ્કેશ વજુભાઇ નામનો શખ્સ લગ્ન કરવાના ઇરાદાથી તેણીનું અપહરણ કરી ગયો હોવાનું જાણવા મળ્યું છે. જે શખ્સ હાલ ફરાર હોવાથી પોલીસ તેને શોધી રહી છે.