જામનગરમાં તરૂણીનો રહસ્યમય આપઘાત


જામનગર તા.13
જામનગરમાં ડીફેન્સ કોલોની વિસ્તારમાં શેરી નં.3, પ્લોટ નં.96 માં રહેતી નીકિતાબેન રાજુભાઇ ચૌધરી નામની 13 વર્ષની પરપ્રાંતિય તરૂણીએ ગઇકાલે પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરના રસોડામાં લોખંડના પાઇપ સાથે ચોરણી બાંધી ગળાફાંસો દ્વારા આત્મહત્યા કરી લઇ પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી. આ બનાવ અંગે આત્મહત્યાનો પ્રયાસ કરનાર તરૂણીની માતા પવનીબેન રાજુભાઇ ચૌધરીએ સીટી સી ડીવીઝન પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે તરૂણીના મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે અને આ બનાવની વધુ તપાસ હાથ ધરી છે.
બાઇક ચોરાયું
જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાંથી વધુ એક મોટરસાયકલની ચોરી થઇ ગયાની ફરીયાદ પોલીસમાં નોંધાવાઇ છે. જામનગરમાં કોમલનગર વિસ્તારમાં રહેતા અશ્ર્વિનભાઇ ઇશ્ર્વરભાઇ ઠાકરે પોતાનું જીજે10બીપી-16રપ નંબરનું બાઇક ખોડીયાર કોલોની નજીક રાજ ચેમ્બર્સ પાસેથી કોઇ તસ્કર ચોરી કરી લઇ ગયાની ફરીયાદ સીટી સી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવી છે.
જામજોધપુરમાં જૂગાર અંગે દરોડો
જામજોધપુરમાં મહાલક્ષ્મી લોજની બાજુની ગલીમાં જાહેરમાં ગંજીપાના વડે હારજીતનો જૂગાર રમી રહેલા નિકુંજ ઉર્ફે નિકો જેંતીભાઇ પટેલ, ભાવેશગીરી પ્રતાપગીરી ગોસ્વામી, ગોરધનભાઇ રાજાભાઇ મકવાણા અને મુળુભાઇ શામલભાઇ ગઢવીની પોલીસે ધરપકડ કરી લઇ તેઓ પાસેથી જુગારનું સાહિત્ય કબ્જે કર્યુ છે.