જામનગરના વેપારીને ચેક રીટર્ન કેસમાં ર વર્ષની સજા, દંડ


જામનગર તા.13
જામનગરના એક ઉદ્યોગપતિએ કોમર્શિયલ કો.ઓપ. બેંકમાંથી રૂા.4.પ0 લાખની રકમની લોન લીધા પછી બેંકને આપેલા ચેકો પાછા ફર્યા હતા અને બેંક દ્વારા વેપારી સામે ચેક રીટર્નની ફરીયાદ નોંધાવાઇ હતી. આ કેસ અદાલત સમક્ષ ચાલી જતા અદાલતે ઉદ્યોગપતિએ ચેક રીટર્ન કેસમાં ર વર્ષની જેલ સજા અને ચેકની રકમ કરતા બમણો નવ લાખનો દંડ ફટકાર્યો છે.
આ કેસની વિગત એવી છે કે જામનગરની ધી કોમર્શિયલ કો.ઓ. બેંકમાંથી જામનગરના ઉદ્યોગપતિ જયંતીભાઇ રૈયાભાઇ વઘાશીયા કે જેઓ શ્રી લક્ષ્મી બ્રાસ ઇન્ડસ્ટ્રીઝ નામની પેઢી ચલાવે છે જે પેઢીના નામે હાઇપોથીકેશનથી લોનની સવલત મેળવી હતી અને બેંકને જોગ દસ્તાવેજો કરી આપ્યા હતા. નવાનગર કો.ઓપ.બેંક લી. જામનગરની બ્રાંચના રૂા.બે લાખ પચીસ હજારના બે મળી કુલ 4.પ0 લાખના ચેકો આપ્યા હતા. જે બંને ચેકો બેલેન્સના અભાવે પાછા ફર્યા હતા જેથી બેંક દ્વારા લક્ષ્મી ઇન્ડ. પેઢીના ભાગીદાર પ્રોપરાઇટરને નોટીસ પાઠવાઇ હતી. જે નોટીસનો પણ કોઇ પ્રત્યુતર નહી મળતા કો. કો. બેંકના તત્કાલીન મેનેજર દ્વારા જામનગરની અદાલતમાં લક્ષ્મી બ્રાસ ઇન્ડ.ના પ્રોપરાઇટર જયંતીભાઇ રૈયાભાઇ વઘાશીયા સામે ચેક રીટર્ન ફરીયાદ નોંધાવી હતી. જેમાં ચીફ અદાલતે આ કેસ સાબીત માની આરોપી વેપારીને 1 વર્ષની સજા અને રૂા.10000 નો દંડ અને દંડની રકમ ન ભરે તો વધુ ર0 દિવસની સજાનો હુકમ કર્યો હતો.
આ હુકમ સામે વેપારી દ્વારા સેશન્સ અદાલતમાં અપીલ કરવામાં આવી હતી. જે અપીલ પણ ચાલી જતાં સેશન્સ અદાલતે ચેક રીટર્ન જુદાજુદા બે કેસો ફરી ચલાવી આરોપી વેપારી જયંતીભાઇ રૈયાભાઇ વઘાશીયાને તકસીરવાન ઠરાવ્યા હતા અને ધી નેગોશીયેબલ ઇન્સ્ટુમેન્ટ એકટની કલમ 138 ની સીક્ષા પાત્ર ગુન્હા સબબ તકસીરવાન ઠરાવ બે વર્ષની સાદી જેલની સજા અને બંને ચેકોની કુલ રકમ 4.પ0 લાખની ડબલ રકમ એટલે રૂા.9 લાખનો દંડનો હુકમ ફરમાવ્યો છે. આરોપી જે દંડની રકમ જમા કરાવે તે રકમ ફરીયાદીને વળતર રૂપે ચુકવવા પણ અદાલતે આદેશ કર્યો છે.