જામનગરના મોડપરમાં માતાજીના મંદિરમાંથી અડધા લાખની ચોરી


જામનગર તા.13
જામનગર તાલુકાના મોડપર ગામમાં આવેલા મેલડી માતાના મંદિરે ગઇરાત્રી દરમ્યાન તસ્કરો ત્રાટકયા હતા અને મંદિરમાં રહેલી દાનપેટીમાંથી રોકડ રકમ તેમજ અન્ય આભુષણો સહિત રૂા.અડધા લાખની માલમતાની ચોરી કરી લઇ ગયાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા ચકચાર જાગી છે. પોલીસે તસ્કરોને શોધવા માટે ગુન્હાશોધક શ્ર્વાન અને ફોરેન્સીક નિષ્ણાંતની પણ મદદ લીધી છે.
ચોરીના આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના મોડપર ગામમાં આવેલા મેલડી માતાના મંદિરમાં ગઇરાત્રી દરમ્યાન કોઇ તસ્કરોએ તાળા તોડી અંદર પ્રવેશ કરી લીધો હતો અને મંદિરમાં રહેલી દાનપેટીમાંથી રૂા.સાત હજારની રોકડ રકમ, એલસીડી ટીવી, ચાંદીના રપ નંગ ઝુમખા, યુપીએસ, ડીવીડી સહિત રૂા.અડધા લાખની માલમતા ચોરી કરી લઇ ગયા હતા.
ચોરીના આ બનાવ અંગે મોડપર ગામના સરપંચ મહેન્દ્રસિંહ શિવુભા જાડેજાએ પંચકોશી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પંચકોશી એ ડીવીઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ચોરીનો ભેદ ઉકેલવા માટે તેમજ તસ્કરોનું પગેરુ મેળવવા માટે ગુન્હાશોધક શ્ર્વાન તેમજ ફોરેન્સીક નિષ્ણાંતોની મદદ લીધી છે. આ ચોરીના બનાવે મોડપર ગામમાં ચકચાર જગાવી છે.
વેપારી સાથે છેતરપીંડી
જામનગર જીલ્લાના ધ્રોલમાં રહેતા અને ઇંટોની ભઠ્ઠી ચલાવતા રમેશ ટપુભા વાઘેલા નામના વેપારીએ પોતાની સાથે રૂા.4,ર0,પ00 ની કિંમતની ઇંટો મેળવી લઇ પૈસા નહીં આપી વિશ્ર્વાસઘાત અને છેતરપીંડી કરવા અંગે રાજકોટના વેપારી ઘનશ્યામભાઇ આર પટેલ ઉપરાંત જોડીયા તાલુકાના મેઘપર ગામના ભીખાભાઇ મૈયાભાઇ અને પ્રવિણલાલ લાલજી વાઘેલા સામે ફરીયાદ નોંધાવી છે.
ફરીયાદી પાસેથી ત્રણેય આરોપીઓએ આજથી 7 મહિના પહેલા ઇંટોની ખરીદી કરી હતી અને પૈસા પહોચાડવાનું જણાવ્યું હતું પરંતુ આજદિન સુધી પૈસા નહીં આપી છેતરપીંડી કરતા આખરે ધ્રોલ પોલીસ મથકમાં ત્રણેય સામે વિશ્ર્વાસઘાત અને છેતરપીંડીની ફરીયાદ દાખલ કરવામાં આવી છે.