ગઢડા પોલીસ મથકમાં જમાદાર 20 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

રાજકોટ, તા. 13
બોટાદના રાણપુર ગામના રહીશ પાસે ઉચાપતના ગુન્હામાં મહિલાની ધરપકડ નહી કરવા માટે ર.ર0 લાખ માંગ્યા હતા તેમાંથી ર લાખ ચુકવી દીધા બાદ જમાદારની ગઢડા પોલીસ સ્ટેશનમાં બદલી થઇ જતા ત્યાંથી બાકીના રૂા. ર0 હજાર માંગતા રાણપુરના રહીશે રાજકોટ એસીબીમાં ફરીયાદ કરતા આજરોજ રાજકોટ ગ્રામ્ય એસીબીએ છટકુ ગોઠવી રૂા. ર0 હજારની લાંચ લેતા જમાદારને રંગેહાથ ઝડપી લીધા હતા.
જાણવા મળતી વિગતો અનુસાર રાણપુર ગામના રહીશો વિરૂદ્ધ સપ્ટેમ્બર ર017માં ઉંચાપતનો ગુન્હો દાખલ થયેલહતો. જે અંગેની તપાસ જે તે વખતનાં જમાદાર પ્રકાશભાઇ કુકડીયાને સોંપવામાં આવી હતી. આ ગુન્હામાં બે આરોપી આગોતરા જામીન સાથે રજુ થતા બંનેની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ હજુ એક મહિલાની ધરપકડ કરવાની હોય તેને હેરાન નહી કરવા માટે તથા ધરપકડ નહી કરવા માટે જમાદાર પ્રકાશભાઇ કુકડીયાએ રૂા. ર.ર0 લાખની લાંચ માંગી હતી. જે તે સમયે તે પૈકીના રૂા. ર લાખ ચુકવી દીધા હતા.
તે અરસામાં જમાદાર પ્રકાશભાઇની ગઢડા પોલીસ સ્ટેશનમાં બદલી થઇ જતા તેમણે ત્યાંથી ફોન કરી રાણપુરનાં રહીશ પાસે લાંચની બાકીની રકમ ર0 હજાર ગઢડા પોલીસ સ્ટેશને દઇ જવા માટે કહ્યું હતું. આથી રાણપુરના રહીશે એસીબીની હેલ્પલાઇનમાં મદદની માંગણી કરતા રાજકોટ ગ્રામ્ય એસીબીનાં ઇન્ચાર્જ પી.આઇ. એમ.બી.જાની તથા સ્ટાફે ફરીયાદીનો સંપર્ક કરી સાંજના સમયે છટકુ ગોઠવ્યું હતું.
આજરોજ સાંજના સમયે ફરીયાદી ગઢડા પોલીસ સ્ટેશનમાં લાંચની રકમ રૂપિયા ર0 હજાર આપવા જતા તે રકમ જમાદાર પ્રકાશભાઇ જગદીશભાઇ કુકડીયા સ્વીકારતાની સાથે જ એસીબીના સ્ટાફે તેને ઝડપી લઇ લાંચની રકમ કબ્જે કરી જમાદારની ધરપકડ કરી તેના વિરૂદ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો.