ખંભાળીયામાં બાળ સુરક્ષા અને કાયદા પર સેમીનાર

ખંભાળીયા તા.13
ખંભાળીયાની કલ્યાણ હોટલ ખાતે દેવભૂમિ દ્વારકા જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા બાળ સુરક્ષા યોજના અને કાયદા અંગેનો વર્કશોપ કલેકટર જે.આર. ડોડીયાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો.
જિલ્લા કલેકટર ડોડીયાએ તેમના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું કે સરકાર દ્વારા બાળકોના વિકાસ, શિક્ષણ, આરોગ્ય અને પ્રગતિ માટે અનેક જુદી જુદી યોજનાઓ ચાલુ છે. બાળકો દ્વારા જો કોઇ ગુન્હો થયો હોય તો તેની શિક્ષા એ રીતે અપાય કે તેની પ્રગતિ અને તેનો વિકાસ ન રૂંધાય. આપણે બાળકને જેટલો પ્રેમ અને સકારાત્મક વિચારો આપીશું એટલું તે મોટો થઇને સમાજને આપશે.
આ તકે તાલીમકાર અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી- ભાવનગરના પ્રજાપતિએ જુવેનાઇલ જસ્ટીસ એકટ-2015 અને જાતિય ગુનાઓ સામે રક્ષણ આપતો અધિનિયમ -2012 અંગેની વિસ્તૃત માહિતી આપી બાળકોના રક્ષણ, શિક્ષણ તથા દતક લેવા બાબતેના કાયદાની સમજ આપી હતી તથા બાળકોના ગુન્હા અને તેની સજા અંગેની જોગવાઇઓ અંગેની માહિતી આપી હતી.
જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મોરીએ બાળ સુરક્ષાની યોજનાઓ અને કાયદાઓ અંગેની સમજ આપી હતી. તેમણે જણાવ્યું કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ 118 અનાથ બાળકો શોધી કાઢયા છે અને જેને નાણાંકીય સહાય આપવાની જોગવાઇ પણ કરી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બાળ અદાલત બાળ સમિતીની રચના પણ થોડા સમયમાં કરવામાં આવશે તેમ જણાવી બાળ સુરક્ષા એકમ દ્વારા કરવામાં આવતી કામગીરીની માહિતી આપી હતી.