જામનગરમાં પ્રથમ વખત ભવ્ય પ્રોપર્ટી શો નું આયોજન : નગરજનોનો અભૂતપૂર્વ ધસારો


જામનગર તા.13
જામનગરના વિશાળ પ્રદર્શન ગ્રાઉન્ડમાં પાંચ દિવસીય પ્રોપર્ટી શોનું ભવ્ય આયોજન પ્રથમ જ વખત કરવામાં આવ્યું છે, જેને બહોળો પ્રતિસાદ મળી રહ્યો હોય, આયોજકો રોમાંચિત છે. શહેરના સૌથી મોટા અને વ્યસ્ત સર્કલ એવા સાત રસ્તા નજીકના વિશાળ પ્રદર્શન ગ્રાઉન્ડમાં ગત તા.8 માર્ચના દિને, મહિલા દિન નિમિત્તે, મહિલા સંસ્થાઓના અગ્રણીઓના હસ્તે ઉદ્દઘાટન પામેલા ભવ્ય પ્રોપર્ટી શોનો આજે ત્રીજો દિવસ છે. સતત બે દિવસથી નગરજનો તથા સમગ્ર જીલ્લા હાલાર પંથકના લોકો શો ની મુલાકાત લઇ રહ્યા છે અને પ્રોપર્ટી - ઇન્ટીરીયર તેમજ હોમ ડેકોરની વિગતો જાણકારીઓ પ્રાપ્ત કરી રહ્યા છે.
આ પ્રોપર્ટી શો ના મુખ્ય સ્પોન્સર બાથાણી બિલ્ડર્સના બાલકૃષ્ણ બાથાણી તથા રોનક બાથાણી, ડ્રીમ ડેકોર ફર્નીચરના ભાસ્કર રાઠોડ, કલ્પવન ગ્રુપ - રાજકોટના રસિક કપુરીયા તથા દિનેશ કપુરીયા, વ્રજ ગ્રુપના વડા સંદીપભાઇ, નેકસસ જૂથના વરૂણભાઇ, જાણીતા આર્કીટેકસ ઇશ્ર્વર ગેહી, પરીનભાઇ તથા ગૌરવભાઇ વગેરે ઘણાં સમયથી આ વિશિષ્ટ પ્રોપર્ટી શો માટે આયોજન કરી રહ્યા હતા અને ઉદ્દઘાટન કાર્યક્રમમાં પણ હાજર રહ્યા હતા.
જામનગરના બિલ્ડર્સ - આર્કીટેકટ - ઇન્ટીરીયર ડીઝાઇનર્સ તથા પ્રોપર્ટી સંબંધિત વ્યવસાયો સાથે સંકળાયેલા લોકો માટે આ શો એક અવસર છે, માહિતી - જાણકારીઓનો ખજાનો છે. આ શો માં નામાંકિત બિલ્ડર્સ દ્વારા પોતાના રેરા એપ્રુવ્ડ પ્રોજેકટ રજૂ કર્યા છે. ઉપરાંત ભૂકંપ પ્રતિરોધક બાંધકામ - હોમ ડેકોર પ્રોડકટસ, હાર્ડવેર્સ - એસેસરીઝ - હોમ એપ્લાયન્સીઝ - કીચન - સિરામિક - લાઇટીંગ - ફર્નીસીંગ તથા હેન્ડીક્રાફટસ ચીજોનું પણ આ સ્થળે પ્રદર્શન ચાલુ છે.
જે લોકો પોતાના સ્વપ્ન સમાન ઘરનું ઘર વસાવવા અથવા સજાવવા ઇચ્છતા હોય, ચીજો અંગે નવી જાણકારીઓ પ્રાપ્ત કરવા ઇચ્છતા હોય કે નોવેલ્ટી ચીજો ખરીદવા ઇચ્છતા હોય તે તમામ લોકો માટે આ પ્રોપર્ટી શો એક મોટો અવસર હોય, આયોજકોએ તમામ હાલારીઓને પ્રદર્શન શો નિહાળવા અનુરોધ કર્યો છે. કોઇપણ વ્યકિત આ શોની મુલાકાત, કોઇ જ પ્રકારની પ્રવેશ ફી વિના લઇ શકે છે. વ્યવસ્થાના ભાગરૂપે તમામ મુલાકાતીઓ માટે રજીસ્ટ્રેશન (નોંધણી) પ્રથા રાખવામાં આવી છે.