જામનગરના ખંભાળીયા નાકા વિસ્તારમાં દબાણ હટાવતી વખતે થઇ બબાલ


જામનગર તા.13
જામનગરમાં ખંભાળીયા નાકા બહાર જાહેર રોડ પર મંડપ - સ્ટોલ વિ. ઉભા કરી લઇ દબાણ સર્જનાર શખ્સ સામે પોલીસ દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે દરમ્યાન બબાલ સર્જાઇ હતી અને બબાલ કરનાર શખ્સ અને તેના પરીવારની બે મહિલાઓ દ્વારા પોલીસ સ્ટાફ સાથે ગેરવર્તણુક કરી તેઓની ફરજમાં રૂકાવટ પેદા કરતા ત્રણેય સામે સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં પોલીસ ફરજમાં રૂકાવટ કરવા અંગેનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. સાથોસાથ ગેરકાયદે દબાણ કરવા અંગેનો પણ અલગથી કેસ કરવામાં આવ્યો છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં કિશાન ચોક વિસ્તારમાં રહેતા મિલન શશીકાંતભાઇ હંજડા નામના શખ્સ દ્વારા ખંભાળીયા નાકા બહાર સર્કલમાં જાહેર રોડ પર માંડવા અને સ્ટોલ ગેરકાયદે રીતે ઉભા કરી દીધા હતા અને ટ્રાફીકને અડચણરૂપ થાય તે રીતે વેપારધંધો કરવામાં આવતો હતો. દરમ્યાન સ્ટોલ સંચાલક મિલન શશીકાંત હંજડા તેમજ તેના પરીવારજનો ચંદ્રીકાબેન શશીકાંત હંજડા તથા કપીલાબેન હિતેષભાઇ હંજડા વિ. પોલીસ સ્ટાફ સાથે જીભાજોડી કરવા લાગ્યા હતા અને પોલીસની કાર્યવાહીમાં બાધારૂપ બની તેઓની ફરજમાં રૂકાવટ પેદા કરી હતી. આ સમયે ભારે હંગામો મચી ગયો હતો અને લોકોના ટોળા એકઠા થયા હતા.
ખંભાળીયા ગેઇટ પોલીસ ચોકીના પીએસઆઇ આર.બી.ગોજીયાએ પોતાની તેમજ અન્ય પોલીસ સ્ટાફની ફરજમાં રૂકાવટ પેદા કરવા અંગે સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં જાતે ફરીયાદી બની મિલન શશીકાંત હંજડા તેમની માતા ચંદ્રીકાબેન અને ભાભી કપીલાબેન હિતેષભાઇ હંજડા સામે આઇપીસી કલમ 186 અને 114 મુજબ ફરીયાદ નોંધાવી છે અને ત્રણેયની ધરપકડ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત ખંભાળીયા ગેઇટ વિસ્તારમાં રાહદારીઓ તથા વાહનચાલકોને અડચણરૂપ થાય તે રીતે ખાણીપીણીના સ્ટોલ ઉભા કરી દબાણ કરવા અંગે આઇપીસી ર83 મુજબનો મિલન શશીકાંત હંજડા સામે કેસ કર્યો હતો અને કેટલીક સામગ્રી પણ કબ્જે કરી છે. (તસ્વીર: સુનીલ ચુડાસમા)