જૂનાગઢ યાર્ડમાં ખેડૂતોનો હંગામો, પોલીસ બોલાવવી પડી


જૂનાગઢ તા. 13
જૂનાગઢની માર્કેટીંગયાર્ડમાં ગઈકાલે પણ ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા બંધ રહેતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. જોકે 4થી 5 કલાક ચાલેલી આ કસરત બાદ પોલીસે આવી પહોંચતા અને યાર્ડના પ્રમુખે દરમિયાનગીરી કરી એજન્સીએ યોગ્ય કરવાની ખાત્રી આપતા મામલો શાંત પડ્યો હતો.
સરકારે શનીવારથી ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેની જાહેરાત કરી હતી પરંતુ તુવેર વાવેલ ખેડૂતો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી ન શકતા શનિવારે યાર્ડમાં હોબાળા બાદ સોમવારે પણ એજન્સી દ્વારા ઓનલાઈન કે ઓફલાઈન માટે પુરતી વ્યવસ્થા ન કરાતા ખેડૂતો વિફરયા હતા અને વાતાવરણ તંગ બન્યું હતું. બાદમાં ખાત્રી અપાતા ખેડૂતો શાંત થયા હતા.
મારામારી
માણાવદર તાલુકાના બાંટવા ગામે રૂપિયાની લેતી-દેતી વખતે વચ્ચે રહેનાર યુવાનના પિતાને જાનથી મારી નાખવાની ધમકી અમળી હોવાનો બનાવ બનતા ચકચાર મચી છે.
બાંટવાના દિપક જેઠાભાઈએ પોલીસમાં નોંધાવ્યા પ્રમાણે નીતીનભાઈ વાઘવાણી પાસેથી કમલેશભાઈએ ઉછીના પૈસા લીધેલ જે પરત નહીં ચુકવાતા કમલેશભાઈના કહેવાથી રાજકોટના મુકેશ કેશવાણી નામના શખ્સે દિપકના પિતાને મોબાઈલ ફોન
ઉપર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
પાઈપ ફટકારેલ
વંથલીના શાપુર ગામે રહેતા મુકેશભાઈ નારણભાઈ રાઠોડ સાથે પરસોતમ ચતુરભાઈ વાઘેલા તથા વલ્લભ રાજાભાઈને ઘઉંની ગાડી ખાલી કરવાની મંજુરી બાબતે માથાકુટ થતાં બન્ને શખ્સોએ મુકેશભાઈને લાકડી અને લોખંડના પાઈપવડે મુંઢ માર મારતા ઈજાઓ થવા પામી હતી.
આરોપી ઝબ્બે
વિસાવદરની સગીરાને બદકામ કરવાના ઈરાદે ભગાડી જનાર ભાવાડાના અજય ચૌહાણની પરિવારજનોએ ભાળ મેળવી પોલીસને સોંપી દેતાં પોલીસે આ શખ્સ સામે ધોરણસરની કાર્યવાહી કરી રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
વિસાવદરની એક સગીરાને ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ભાવાડા ગામનો અજય ભગાભાઈ ચૌહાણ નામનો શખ્સ બદકામ કરવાના ઈરાદે ભગાડી ગયો હતો જે અંગે સગીરાના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન પરિવારજનોએ સગીરા અને તેને ભગાડી જનાર અજયભાઈ મેળવી પકડી પાડ્યા હતા અને પોલીસને સોંપી દેતાં પોલીસે વુધ કાર્યવાહી હાથ ધરી રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.