40 ફૂટ ઊંચો અને 30 ફૂટ પહોળો ધોધ વછૂટ્યો

મધરાતે લાઈન તૂટયા બાદ સવાર સુધી લાખો લિટર પાણી વેડફાઇ ગયું
ભુજ, તા. 13
કચ્છની જીવાદોરી સમાન નર્મદાની મુખ્ય પાઈપ લાઈનમાં ભંગાણ થવાને કારણે લાખો લીટર પાણીનો જથ્થો વહી જતા તળાવ ભરાઈ ગયુ હતું જેને પગલે લોકોમાં રોષ જોવા મળતો હતો. આ અંગેની જાણવા મળતી વિગત મુજબ હાલમાં ઉનાળાની શરૂઆત છે ત્યાંજ સમગ્ર કચ્છ જિલ્લાના જળાશયોમાં પાણીનો જથ્થો ખાલી થઈ ગયો છે અને એક માત્ર સરદાર સરોવર યોજના જ હવે જીવાદોરી સમાન જોવા મળે છે. આવા સમયે ગઈકાલે રાત્રીના સમયે ચિરાઈ નજીકથી પસાર થતી નર્મદાના મુખ્ય પાણીની પાઈપ લાઈનમાં પ્રેસર વધી જવાને કારણે ભંગાણ સર્જાયુ હતું.
જેને કારણે પાણીનો ઉંચો ધોધ વછુટયો હતો અને ગણતરીની કલાકોમાં જ લાખો લીટર પાણી વેડફાઈ ગયુ હતું પાણીની મુખ્ય પાઈપ લાઈનમાં ભંગાણ થવાને પગલે આસપાસના વિસ્તારોમાં પાણીના તળાવડા ભરાઈ ગયા હતાં ખેતીની જમીનને પણ નુકશાન થતા ખેડુતોમાં રોષ જોવા મળતો હતો. વળી રાત્રીના સમયે પાઈપ લાઈન તૂટી હોય સવાર સુધી મરામતની કામગીરી હાથ ધરવામાં આવી નહતી જેને પગલે મોટા પાયે પાણીનો વેડફાટ થતા લોકોમાં રોષ જોવા મળતો હતો.
એક બાજુ ઉનાળો આવી રહ્યો છે અને સરકાર દ્વારા નર્મદા કેનાલમાં સિંચાઈ માટે પાણી બંધ કરવાનો અને માત્ર પિવા માટે જ નર્મદા નીર આપવાનો નિર્ણય લીધો છે. વળી કચ્છ જિલ્લામાં પહેલાથી જ પાણીની કારમી તંગી અનુભવાઈ રહી છે તો ઉનાળામાં તો કચ્છમાં પાણીનો કકડાટ થવાની શકયતા પણ જોવા મળે છે. એક બાજુ ઉનાળામાં લોકોને પાણીના પિવાના સાસા પડે તેવી શકયતા છે તેવા સમયે પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ થતા વેડફાયેલા પાણીથી લોકોમાં રોષ જોવા મળે છે. અને તંત્ર દ્વારા કચ્છ જિલ્લાને જોડતી નર્મદા નીરની તમામ પાઈપ લાઈનને ચેકીંગ હાથ ધરવામાં આવે અને ઉનાળામાં હવે પછી પાણીની પાઈપ તૂટે નહી તેની તકેદારી રાખવામાં આવે તેવી લોકોમાં માંગણી જોવા મળે છે.
જો કે પાણી પુરવઠા વિભાગ અને કચ્છના સરદાર સરોવર નિગમના ઈજનેરોએ વહેલી સવારે ચિરાઈ નજીક ત્યાં પાઈપ લાઈનમાં ભંગાર થયુ હતું ત્યાં પહોંચી જઈ મરામતની કામગીરી હાથ ધરી હતી અને બપોર સુધીમાં પાઈપ લાઈનનું રીપેરીંગ કામ પૂર્ણ કરતા પાણીનું લીકેજીંગ બંધ થઈ ગયુ હતું જેને પગલે લોકોમાં રાહતની લાગણી જોવા મળતી હતી.