સૌરાષ્ટ્રમાં સતત બીજે દિવસે ગાઢ ધુમ્મસ


રાજકોટ તા. 13
સૌરાષ્ટ્ર-કચ્છમાં માર્ચ મહિનાના પ્રારંભથી જ મિશ્ર ઋતુનું હવામાન બની રહ્યુ છે અને હજી ત્રણ-ચાર દિવસ આ રીતે આહલાદ વાતાવરણ બની રહ્યા બાદ ગરમીના દિવસો ગતિ પકડશે તેવો સંકેત હવામાન વિભાગના સુત્રો દ્વારા દર્શાવવામાં આવ્યો છે જયારે આજે સતત બીજે દિવસે રાતભર ઝાકળ વર્ષા સાથે ગાઢ ધુમ્મસ મોડે સુધી છવાયુ હોય ખુશ્નુમા હવામાનનો નજારો લોકોને માણવા મળ્યો હતો.
હાલમાં જયારે માર્ચ મહિનાનો મધ્ય ભાગ શરૂ થઈ ગયો હતો ત્યારે ગરમીનું આક્રમણ શરૂ થવાને બદલે હવામાનના ફેરફાર અને દક્ષિણ પશ્ર્ચિમના પવનની અસર હેઠળ દરીયાઈ ભેજ વાળો પવન શરૂ થયો હતો જેને કારણે દિવસ-રાત હવામાં ભેજનુ પ્રમાણ વધી જતુ હતુ સાથે જ સુર્ય નારાયણ પણ આકરા તપતા હોય 35 ડીગ્રી કે તેથી વધુ તાપમાનને કારણે હવામાં બાસ્પ વધી જતી હતી બાદ પવન પડી જવાને કારણે રાત્રીના સમયે આ બાસ્પ ઝાકળ વર્ષા સ્વરૂપે જમીન પર ઉતરી આવતી હતી.
છેલ્લા સાત દિવસથી વાતાવરણ બદલાવની અસર હેઠળ સતત દિવસે ગરમી અને રાત્રીના ઠંડકનો હવામાન શરૂ થયો છે જેને કારણે આજે પણ સતત બીજા દિવસે રાતભર ઝાકળ વર્ષા સાથે સવાર મોડે સુધી ધુમ્મસનો આવરણ ધરતી પર ઉતરી આવ્યુ હતું જેને કારણે લોકોને સવારે ઠંડીનો અહેસાસ થતો જોવા મળતો હતો તો હજુ આ પ્રકારે માહોલ બની રહેવાની શકયતા હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે જો કે સપ્તાહના અંતથી ફરી ગરમી રંગ દેખાડશે અને પારો 40 ડીગ્રી નજીક પહોંચી જશે તેવો સંકેત પણ વેધશાળાના સુત્રોએ આપ્યો છે.
સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં મહતમ તાપમાન 35 થી 39 ડીગ્રી વચ્ચે નોંધાયુ હતું તો ઝાકળ વર્ષાની અસર હેઠળ ન્યુનતમ તાપમાન 17 થી 22 ડીગ્રી વચ્ચે નોંધાયુ હતું.
રાજકોટ
રાજકોટમાં સતત મિશ્ર ઋતુનો અનુભવ લોકોને થઈ રહ્યો છે રાત્રીના સમયે ઝાકળ વર્ષા અને દિવસે ગરમીથી લોકો ખુશ્નુમા હવામાનનો નજારો માણી રહ્યા છે આજે સતત બીજે દિવસે પણ રાતભર ઝાકળ વર્ષા શરૂ થઈ હતી જે સવારે ધુમ્મસ છવાયુ હતું જેને કારણે શહેરીજનોને ખુશ્નુમા હવામાનનો માહોલ માણવા મળ્યો હતો જો કે સવારે 8 વાગ્યે હવામાન ખુલ્લુ થતાની સાથે જ સૂર્યનારાયણ રંગ દેખાડવાનું શરૂ થતા લોકોને ગરમી અને બફારાનો અનુભવ થતો જોવા મળતો હતો. (તસવીર: પ્રવીણ સેદાણી)