શ્રીલંકાને કચડી નાખતું ભારત

153 રનનો લક્ષ્યાંક 17.3 ઓવરમાં 4 વિકેટે હાંસલ કર્યો: શાર્દુલ ઠાકુરે 4 વિકેટ ઝડપી: પાંડેએ અણનમ 42 રન ઝૂડ્યા નવીદિલ્હી તા.13
નિદાહાસ ટ્રોફી ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગઇકાલે રમાઇ ગયેલા મેચમાં ભારતે શ્રીલંકાને છ વિકેટે પરાજય આપી, આ ચેમ્પિયનશિપના પ્રથમ મુકાબલામાં શ્રીલંકા સામે મળેલી હારનો દાંત કચકચાવીને બદલો લઇ લીધો હતો. ગઇકાલે ભારતના વિજયમાં શાર્દુલ ઠાકુર અને મનિષ પાંડેનું યોગદાન મહત્વપૂર્ણ રહ્યું હતું.
ગઇકાલે વરસાદને કારણે ભેચ 19-19 ઓવરનો કરાયો હતો. જેમાં શ્રીલંકા નિર્ધારિત ઓવરમાં 9 વિકેટે 152-રન બનાવી શકી હતી. આ પછી ભારતીય ટીમે 17.3 ઓવરમાં જ ચાર વિકેટના ભોગે વિજય માટે જરૂરી રન બનાવી લીધા હતાં. આ પૂર્વે ટોસ હાર્યા બાદ પ્રથમ બેટીંગ કરવા મજબુર બનેલી શ્રીલંકા ટીમે પ્રથમ બે ઓવરમાં જ 24 રન ઝૂડી નાંખી એવી ભીતી જન્માવી હતી કે તે ખુબ જ મોટો જૂમલો ખડકી દેશે. જોકે ત્યારબાદ ભારતીય બોલરોએ યજમાન ટીમ પર અંકૂશ મુકવામાં સફળતા મેળવી લીધી હતી. ખાસ કરીને શાર્દુલ ઠાકુરે શાનદાર બોલીંગનું પ્રદર્શન કરી 4 ઓવરમાં માત્ર 27 રન ખર્ચીને 4 વિકેટ ખેડવી નાંખી શ્રીલંકન ટીમની મોટા જૂમલાની આશા પર પાણી ફેરવી દીધું હતું. કુસાલ મેન્ડિસે 38 દડામાં 55, ઉપુલ થારાંગાએ 22, થિસરા પરેરાએ 15 અને દસુન સનાકાએ 19 રન બનાવી 19 ઓવરને અંતે ટીમને 9 વિકેટે 152 - રન સુધી પહોંચાડી હતી. ભારત વતી અન્ય બોલરોમાં વોશિંગ્ટન સુંદરે બે, જયદેવ ઉનડકટ, ચહલ અને વિજય શંકરે એક એક વિકેટ ઝડપી હતી.
આ પછી ભારતે રાબેતા મુજબ કપ્તાન રોહિત શર્માની (11-રન) વિકેટ દાવની શરૂઆતમાં જ ગુમાવી દીધી હતી. 4થી ઓવરમાં શાર્દુલ (8-રન)પણ પેવેલિયનમાં પાછો ફર્યો હતો. જો કે ત્યારબાદ સુરેશ શૈનાએ 15 દડામાં 27, મનિષ પાંડેએ 31 દડામાં અણનમ 42 અને દિનેશ કાર્તિકે 25 દડામાં અણનમ 39 રન ફટકારી ભારતને 17.3 ઓવરમાં છ વિકેટે વિજય અપાવ્યો હતો.