બનાવટી પોલીસના શ્ર્વાંગમાં લૂંટ ચલાવતો શખ્સ ગિરફ્તાર

જામનગર તા.13
જામનગરના સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં બે યુવાનોને પોલીસનો શ્ર્વાંગ રચીને આવેલા શખ્સ પોલીસ કેસની ધાકધમકી આપી લૂંટી લીધા હતા. જે અનુસંધાને ગઇકાલે સાંજે સીટી સી ડીવીઝનના ડી સ્ટાફે વોચ ગોઠવી ગ્રે કલરના એકટીવા પરથી પસાર થઇ રહેલા સુરેશ ઉર્ફે સુરીલો ગોરધન ભાલોડીયા નામના શખ્સની ધરપકડ કરી લીધી હતી. જે આરોપીએ બનાવટી પોલીસનો શ્ર્વાંગ રચી એકલ દોકલ વ્યકિતને પોલીસના નામે છેતરપીંડી કરી લૂંટ ચલાવતો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું જેથી પોલીસે તેની ધરપકડ કરી હતી.
કારમાં આગ
જામનગરમાં સમર્પણ હોસ્પીટલ ઓવરબ્રીજ પાસે ગઇકાલે જામનગરથી ખંભાળીયા તરફ જઇ રહેલી જીજે1ડીએકસ-1940 નંબરની મારૂતિ ઇકો કારમાં સીએનજી ગેસનું લીકેજ થવાના કારણે ચાલુ કારમાં એકાએક આગ લાગી હતી. આગ લાગવાની સાથે જ કારમાં બેઠેલી બે વ્યકિતઓ દરવાજો ખોલીને બહાર નીકળી ગઇ હતી જેથી કોઇ જાનહાની થઇ નહતી. ખંભાળીયાના સંજયનગર વિસ્તારમાં રહેતા હરદેવસિંહ જાડેજાની માલિકીની કારમાં આગ લાગી હોવાની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવી હતી.   ાતા ફાયર બ્રિગેડનો સ્ટાફ તુરંત જ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પાણીના એક ટેન્કરને વડે આગને કાબુમાં લઇ લીધી હતી. આગની આ ઘટનાથી લોકોના ટોળા એકત્ર થયા હતા.
તરૂણીનો આપઘાત
જામનગરમાં ડીફેન્સ કોલોની વિસ્તારમાં શેરી નં.3, પ્લોટ નં.96 માં રહેતી નીકિતાબેન રાજુભાઇ ચૌધરી નામની 13 વર્ષની પરપ્રાંતિય તરૂણીએ ગઇકાલે પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરના રસોડામાં લોખંડના પાઇપ સાથે ચોરણી બાંધી ગળાફાંસો દ્વારા આત્મહત્યા કરી લઇ પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી. આ બનાવ અંગે આત્મહત્યાનો પ્રયાસ કરનાર તરૂણીની માતા પવનીબેન રાજુભાઇ ચૌધરીએ સીટી સી ડીવીઝન પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે તરૂણીના મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે અને આ બનાવની વધુ તપાસ હાથ ધરી છે.
બાઇક ચોરાયું
જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાંથી વધુ એક મોટરસાયકલની ચોરી થઇ ગયાની ફરીયાદ પોલીસમાં નોંધાવાઇ છે. જામનગરમાં કોમલનગર વિસ્તારમાં રહેતા અશ્ર્વિનભાઇ ઇશ્ર્વરભાઇ ઠાકરે પોતાનું જીજે10બીપી-16રપ નંબરનું બાઇક ખોડીયાર કોલોની નજીક રાજ ચેમ્બર્સ પાસેથી કોઇ તસ્કર ચોરી કરી લઇ ગયાની ફરીયાદ સીટી સી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવી છે.
જામજોધપુરમાં જૂગાર અંગે દરોડો
જામજોધપુરમાં મહાલક્ષ્મી લોજની બાજુની ગલીમાં જાહેરમાં ગંજીપાના વડે હારજીતનો જૂગાર રમી રહેલા નિકુંજ ઉર્ફે નિકો જેંતીભાઇ પટેલ, ભાવેશગીરી પ્રતાપગીરી ગોસ્વામી, ગોરધનભાઇ રાજાભાઇ મકવાણા અને મુળુભાઇ શામલભાઇ ગઢવીની પોલીસે ધરપકડ કરી લઇ તેઓ પાસેથી જુગારનું સાહિત્ય કબ્જે કર્યુ છે.