ખંભાળીયાના વકીલ દ્વારા પોસ્ટના કર્મચારીને ધમકી અપાયાની ફરિયાદ


દ્વારકા તા.13
દ્વારકાના એક સરકારી કર્મચારીને નિયમ વિરૂધ્ધ કામ કરવાનું કહી, તેઓએ ના કહેતાં ખંભાળીયાના એક વિપ્ર વકીલે બિભત્સ ગાળો કાઢી, ધાક-ધમકી આપ્યાની ધોરણસર ફરીયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાઇ છે.
આ ચકચારી બનાવની પોલીસ સૂત્રોમાં જાહેર થયેલી વિગત મુજબ દ્વારકામાં વિજય ઓઇલ મીલ પાસે રહેતા અને પોસ્ટ ઓફીસમાં નોકરી કરતા હિંમતભાઇ ઓધવજીભાઇ મજીઠીયા (ઉ.વ.પ8) ના પોસ્ટ ઓફીસના પોસ્ટમેન ઇ-ધરાનું રજીસ્ટર્ડ એડીનું કવર આપવા ગયેલા હોય, જેમાં 91737 11111 મોબાઇલ નંબર ધરાવતા કરણ જોશી નામના શખ્સે હિંમતભાઇને કહેલ કે આ ઇ-ધરાના રજી. એ.ડી.ના કવર ત્યાં હાજર ઇસમને આપી દેવા જણાવ્યું હતું. આથી ફરીયાદી હિંમતભાઇએ કહેલ કે આ ઇ-ધરાના રજી. એ.ડી. કવર જેના નામના હોય, તેમને જ આપવાના હોય. જેથી અમો નિયમ મુજબ આપી દઇશું, નહિતર કવર પરત જવા દેશું - આમ કહેતા આરોપી કરણ જોશી ઉશ્કેરાઇ ગયો હતો અને હિંમતભાઇ મજીઠીયાને ફોનમાં બીભત્સ ગાળો આપી નોકરી કેમ કરે છે ? તેવી ધાકધમકીઓ આપી હોવાનું પોલીસ ફરીયાદમાં જાહેર થયું છે.
આરોપી શખ્સ ખંભાળીયા રહેતો હોવાનું અને વકીલાત તથા મીડિયા ક્ષેત્રે કાર્યરત હોવાનું પણ જાણવા મળેલ છે. ઉપરોકત બનાવ અંગે દ્વારકા પોલીસે આઇપીસી કલમ પ07 મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી એએસઆઇ પી.ડી. સોલંકીએ હાથ ધરી છે.