સંતાનસુખ માટે મૈત્રીકરાર કરનાર કડિયા આધેડને યુવતીના ભાઇએ વેંતરી નાખ્યા

રાજકોટમાં હત્યાઓની વણઝાર: 14 કલાકમાં Murder-2
ગણતરીની કલાકોમાં જ આરોપી ઝબ્બે: એક્ટિવા અને છરી કબજે કરતી પોલીસ રાજકોટ તા.13
રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની કથળીને ખાડે ગયેલી સ્થિતિ વચ્ચે ગુન્હાખોરીનો ગ્રાફ દિવસે ને દિવસે ઊંચો જઈ રહ્યો છે શહેરમાં 14 કલાકમાં બબ્બે હત્યાના બનાવો પોલીસ ચોપડે નોંધાતા ભારે સનસનાટી મચી જવા પામી છે ચારેક વાગ્યે કોઠારીયા રોડ પર પ્રેમ પ્રકરણમાં કડિયા યુવાનને પ્રેમિકાના ભાઈએ છરીના છ ઘા જીકી સરાજાહેર હત્યા નિપજાવી નાખતા પોલીસ કાફલો દોડી ગયો હતો અને હત્યારા શખ્શને ગણતરીની કલાકોમાં દબોચી લઇ છરી કબ્જે કરી હતી.
શહેરના કોઠારીયા રોડ ઉપર બનેલા હત્યાના બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના કોઠારીયા રોડ ઉપર આવેલ માધવ હોલ નજીક સૂર્યદીપ સોસાયટીમાં રહેતો અને લાદીકામ કરીને તેનું અને પત્નીનું ગુજરાન ચલાવતો મુકેશભાઈ મોહનભાઇ વાળા નામના કડિયા 48 વર્ષીય કડિયા યુવાનની કોઠારીયા રોડ ઉપર જ કેદારનાથ સોસાયટીના ગેટ નજીક સરાજાહેર છરીના 6 ઘા જીકી રહેંસી નાખતા ભારે સનસનાટી મચી જવા પામી હતી ઘટના અંગે કંટ્રોલમાં જાણ કરવામાં આવતા ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ વી કે ગઢવી , પીએસઆઇ આર સી રામાનુજ , રાઇટર નિલેશભાઈ મકવાણા સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડી કાર્યવાહી હાથ ધરી હતી.
હત્યાના બનાવ અંગે મૃતક મુકેશની પત્ની અમીતાબેને નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેણીના લગ્ન 21 વર્ષ પૂર્વે મુકેશ સાથે થયા હતા પરંતુ ગર્ભાશયની તકલીફ હોવાથી ભગવાને અમને સંતાન સુખ આપ્યું ન હતું પતિ મુકેશ વાળા લાદીકામ કરતો હતો છએક મહિના પૂર્વે અટિકા ફાટક નજીક આવેલ ઢેબર સોસાયટીમાં રહેતી કાજલ મુકેશભાઈ ચૌહાણ નામની કોળી યુવતીના ઘરનું કામ કરવાનું હોય તેના ઘરે લાદીકામ કર્યું હતું ત્યારે કાજલ સાથે આંખ મળી જતા બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો બીજી તરફ પત્નીને પણ સંતાન સુખ પ્રાપ્ત થાય તેમ ન હોય કાજલ સાથે મૈત્રીકરાર કરી તેના થકી સંતાન સુખ મેળવવા પત્નીને પણ રાજી કરી લીધી હતી સંક્રાતિના દિવસે પત્ની અમિતાને કાજલ પાસે લઇ ગયો હતો અને તેની સાથે મુલાકાત કરાવી હતી ત્યાર બાદ ગત પેલી તારીખ હોળીના દિવસે કાજલનો ફોન આવ્યો હતો અને કાજલને લઈને મુકેશ તથા અમિતા બંને ભાગી ગયા હતા પૂનમ ભરવા ઊંચા કોટડા ગયા બાદ ત્યાંથી તળાજા અને સુરત ગયા હતા ત્યાં હોટલમાં રોકાયા હતા ત્યાંથી તેઓ સાવરકુંડલા આવ્યા હતા અને ત્યાં વકીલ મારફતે મૈત્રીકરારની નોટરી કરાવી હતી ત્રણેય હોળીના દિવસે નીકળ્યા ત્યારે કાજલના ભાઈનો ફોન આવ્યો હતો અને બારી દરવાજા બનાવવા છે તેવી વાત કરી હતી બાદમાં કાજલ ગુમ થઇ ગઈ હોય આ અંગે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં અરજી કરી હોય બે દિવસ પૂર્વે 10 તારીખે મુકેશ અને કાજલને પોલીસ સ્ટેશને બોલાવ્યા હતા ત્યાં પરિવારજનોએ અને પોલીસે સમજાવતા કાજલ પરત તેના માતા - પિતા સાથે જતી રહી હતી.
બાદમાં કાજલનો પિતરાઈ ભાઈ વિશાલ કાળુભાઇ ચૌહાણ બપોરે અઢી વાગ્યે ઘરે આવ્યો હતો અને તે જે કર્યું તે ખોટું કર્યું છે આવું તારે ન કરવું જોઈએ તે રીતની અંદાજે એકાદ કલાક ચર્ચા કર્યા બાદ વિશાલ અને મુકેશ સાથે નીકળ્યા હતા અને અર્ધો કલાક બાદ મુકેશની હત્યાના સમાચાર આવ્યા હતા પોલીસે અમિતાબહેનની ફરિયાદ પરથી મુકેશની હત્યા નિપજાવનાર કાજલના પિતરાઈ ભાઈ વિશાલને ગણતરીની કલાકોમાં જ દબોચી લીધો હતો અને તેની પાસેથી હત્યામાં વપરાયેલ છરી અને એક્ટિવા બંને કબ્જે કર્યા હતા અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મુકેશ અને તેની પત્ની સસરાના ઘરમાં રહેતા હતા
મૃતક મુકેશ વાળા અને તેની પત્ની જે સૂર્યદીપ સોસાયટીમાં રહે છે તે ઘર અમિતાબહેનના પિતાનું હોવાનું જાણવા મળ્યું હતું.
સંતાનસુખ માટે મૈત્રીકરાર કરવા યોગ્ય નથી સમજવવા છતાં મુકેશ માન્યો ન હતો
21 વર્ષના લગ્નજીવન દરમિયાન સંતાન સુખ નહિ પ્રાપ્ત થતા મૈત્રીકરારનો રસ્તો અપનાવનાર કડિયા આધેડ મુકેશને પત્ની અમિતાએ આ રસ્તો યોગ્ય નથી તેવું અનેકવાર સમજાવ્યું હોવા છતાં મુકેશ માન્યો ન હતો અને અંતે સંતાન સુખની શોધમાં મુકેશનો ભોગ લેવાતા પત્ની અમીતાને જીવનમાં એકલી થઇ ગઈ છે. હત્યારાને પણ ઇજા થઇ હોય દાખલ કરાયો છે
મુકેશ વાળાની હત્યા નિપજાવનાર વિશાલ જયારે મુકેશને છરીના ઘા જીકતો હતો ત્યારે તેને પણ હાથમાં ઇજા થઇ હોય રાત્રે પ્રાથમિક
સારવાર અપાવ્યા બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જાપ્તા હેઠળ દાખલ કરાયો છે. (તસવીર: પ્રવીણ સેદાણી)