ખનીજ ચોરીના વિરોધમાં કાઢી 20 કીમી લાંબી ટ્રેકટર રેલી

રેતી બચાવો, ખેતી બચાવો, જળ બચાવોના નારા સાથે અમરેલી કલેકટર કચેરીમાં ઘેરાવ સાથે કરી ઉગ્ર રજૂઆત: ખનીજ ચોરી નહિ અટકે તો ઉગ્ર આંદોલન છેડવાની આપી ધમકી
સાવરકુંડલા તા. 13
સેલ નદીના કાંઠે આવેલા સાવરકુંડલાના કરજાળા ગામના 500 ખેડુતોએ જળ માટે જંગ શરૂ કર્યો છે. પ્રથમ હનુમાનજીને કરી પ્રાર્થના કરી શેલ નદીમાં જઈ કર્યા સુત્રોચ્ચાર કર્યા હતા અને 20 કીમી મીટર લાઈન ટ્રેકટર યાત્રા કરી કલેકટર કચેરીએ ઘેરાવ કરી સુત્રોચ્ચાર પોકાર્યા હતાં. બેફામ રેતી ચોરી અટકાવવા આક્રમક મુડમાં રજુઆતો કરી હતી રેલીમાં સુરત, મુંબઈ, અમદાવાદ રહેતા કરજાળા વાસીઓ ઉમટી પડયા હતા અને પરિણામ નહી મળે તો રસ્તા રોકો, ઉપવાસ આંદોલનનીલ ચીમકી ઉચ્ચારી હતી.
સાવરકુંડલાના કરજાળા ગામે છેલ્લા ઘણા સમયથી રેતી ચોરી થાય છે. ખનન માફીયાઓ બેફામ બન્યા છે. ગામડાનો અવાજ તંત્રએ ધ્યાને લીધો નથી. ત્યારે રેતી બચાવો-ખેતી બચાવોના ઉદેશથી આજે કરજાળા વાસીઓ કે જે સુરત અમદાવાદ અને મુંબઈમાં વસે છે તેઓ કરજાળા ખાતે ઉમટી પડયા અને ગ્રામજનો મહિલાઓએ કર્યુ રેતી બચાવો આંદોલન.
સૌ પ્રથમ આ 500 ખેડુતોએ કરજાળા હનુમાનજીને પ્રાર્થના કરી આર્શીવાદ મેળવી શેલ નદીમાં પહોંચ્યા અને રેતી બચાવો-ખેતી બચાવોના સુત્રોચ્ચાર કર્યા ત્યાર બાદ ટ્રેકટરોમાં 20 કીમીની યાત્રા કરી અમરેલી કલેકટર કચેરીઓ પહોચ્યા જયાં કચેરીનો ઘેરાવ
કરી સુત્રોચ્ચાર કર્યા હતાં. અને બહેરા તંત્રને જગાડવાનો પ્રયાસ કરી કલેકટરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી જો રેતી ચોરી અટકશે નહી તો રસ્તા રોકો આંદોલન અને ઉપવાસ આંદોલન કરીશુ તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.
આ કરજાળા વાસીઓએ પત્રકારો સમક્ષ પોતાની વેદના ઠાલવતા જણાવ્યુ હતું કે અમારી શેલ નદી રેતી વિહોણી બનતી જાય છે. જો નદીમાં રેતી નહી રહે તો ખેતી નહી રહે અને કરજાળાની વાડીઓ ખેતરો વેરાન રણ બની જળશે.
અમરેલી કલેકટરે ઘટતુ કરવા ખાત્રી આપી હતી. અને કલેકટર કચેરીમાં જ મીટીંગમાં બેઠેલા ભુસ્તર શાસ્ત્રી અધિકારી પટેલને સુચના આપી દીધેલ હતી. જો કે ખાણ ખનીજ અધિકારી (ભુસ્તર શાસ્ત્ર અધિકારી) પટેલે સ્ટાફ ઓછો છે અમારી તપાસ ઉપર જ છે તેવો જવાબ આપ્યો હતો. ત્યારે કરજાળાના ખેડુતોનો આક્રોશ હવે ઉકળી ઉઠયો છે. જો તંત્ર પરિણામ નહી આવે તો નવાજુનીના એંધાણ વર્તાઈ રહ્યા છે.