‘જિનિયર્સ’ તૈયાર કરવા રિલાયન્સ વર્લ્ડ ક્લાસ યુનિવર્સિટી સ્થાપશે


નવીદિલ્હી તા.13
દેશની સૌથી મોટી ખાનગી
સેવાભાવિ સંસ્થાઓમાં અગ્રણી સ્થાન ધરાવતી રિલાયન્સ ફાઉન્ડેશન અત્યાધુનિક સંશોધન અને નવતર પ્રયોગોની સાથે-સાથે ભવિષ્યના નેતાઓ, સંગીતકારો, વૈજ્ઞાનિકો અને ઓલમ્પિયનો તૈયાર કરવા માટે યુનિવર્સિટીની સ્થાપના કરવાનું આયોજન ધરાવે છે, એમ રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક-ચેરપર્સન નીતા અંબાણીએ જણાવ્યું હતું. તાજેતરમાં ઇન્ડિયા ટુડે કોન્કલેવમાં તેમણે જણાવ્યું હતું કે રમત-ગમત અને શિક્ષણ એમ બં સ્તંભો પર ભારતની આવતીકાલનો ઉદય થશે. નીતા અંબાણીએ ધ ગ્રેટ ઇક્વિલાઇઝર: સ્પોર્ટ્સ એન્ડ એજ્યુકેશન ફોર ઓલ વિષય પર વક્તવ્ય આપ્યું ત્યારે તેમના પતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણી શ્રોતાગણમાં ઉપસ્થિત હતા. વિશ્વની સર્વશ્રેષ્ઠ અને સૌથી મોટી કંપનીઓનો સમયગાળો નક્કી હોય છે. પરંતુ શૈક્ષણિત સંસ્થાઓ સમયની મર્યાદાઓથી પર હોય છે. તેઓ જે પેઢીઓનું સશક્તિકરણ કરે છે તેમાં જ જીવે છે, શ્વાસ લે છે અને વૃદ્ધિ પામે છે અને એટલા માટે જ રિલાયન્સ ફાઉન્ડેશન વિશ્વસ્તરીય યુનિવર્સિટી બનાવવાનું આયોજન કરી રહ્યું છે, એમ તેમણે જણાવ્યું હતું. અત્યાધુનિક સંશોધન અને નવીનતમ પ્રયોગો માટેની યુનિવર્સિટી. એવી યુનિવર્સિટી જે શિક્ષણ અને રમત-ગમત, કલા અને સંસ્કૃતિ પર ધ્યાન કેન્દ્રિત કરે.
આ યુનિવર્સિટી વિશ્વની શ્રેષ્ઠતમ યુનિવર્સિટીઓ સાથે જોડાણ કરશે અને જ્ઞાન અને કૌશલ્ય સાથે વિશ્વનો સામનો કરી શકે તેવી ભવિષ્યની પેઢી તૈયાર કરશે. એવી યુનિવર્સિટી જેના દ્વારમાંથી ભવિષ્યના નેતાઓ, આપણાં સંગીતકારો, આપણાં વૈજ્ઞાનિકો અને આપણાં ઓલમ્પિયનો ઉભરી આવશે. આ પ્રકારની યુનિવર્સિટીની સ્થાપના રિલાયન્સ ફાઉન્ડેશનમાં અમારું સ્વપ્ન છે.
નીતા અંબાણીએ ભારતમાં રમત-ગમત અને શિક્ષણના વિકાસ માટે તેમના ફાઉન્ડેશને આપેલા પ્રદાન અંગેની વિગતો આપી હતી. અત્યાર સુધીમાં રિલાયન્સ ફાઉન્ડેશને 14 શાળાઓની સ્થાપના કરી છે જેમાં વર્ષે 16,000 બાળકોને શિક્ષણ આપવામાં આવે છે.