પી.ચિદમ્બરમને જેલમાં નાખવા માટે ‘ગોલ્ડન-પ્લાન’ તૈયાર


નવીદિલ્હી તા.13
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર પૂર્વ નાણાપ્રધાન પી.ચિમ્બરમને સકંજામાં લેવામાં પરોવાઈ ગઈ છે. સરકારે જણાવ્યું છે કે પ્રાઈવેટ ટ્રેડિંગ કંપનીઓને સોનાની આયાતની પરવાનગી આપવા માટે જવાબદાર સામે કાર્યવાહી કરાશે.
લોકસભાની 2014ની ચૂંટણી વખતે કંપનીઓને આ પ્રમાણેની મંજૂરી આપવામાં આવી હતી. તેના કારણે માત્ર છ મહિનામાં જ રૂા.4,500 કરોડનો અયોગ્ય લાભ થયો હતો. રૂ. 12,700 કરોડના પીએનબી કૌભાંડ અંગે કોંગ્રેસે આક્રમક વલણ અપનાવતાં ભાજપે ગયા મહિને જ ચિતમ્બરમ પર મેહુલ ચોકસી અને નીરવ મોદીને મદદ કરવાનો આક્ષેપ કર્યો હતો. ભાજપને જણાવ્યું હતું કે 80:20 સોનાની આયાત યોજના દ્વારા સૌથી મોટા બેન્ક કૌભાંડના મુખ્ય આરોપીઓને ઘીકેળાં કરાયા છે.
સરકારે કોઈના નામનો ઉલ્લેખ કર્યા વિના જણાવ્યું હતું કે તેમણે સત્તા પર આવ્યા પછી થોડાક જ મહિનામાં આ યોજનાને બંધ કરવાનું હિંમતભર્યું પગલું ભર્યું હતું. નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે તેનાથી દેશમાં સોનાની આયાતમાં વધારો થયો હતો અને તેના કારણે જ નાણાકીય વર્ષ 2012-13માં ચાલુ ખાતાની ખાધમાં વધારો થયો હતો.
ચિદમ્બરમના નિવેદન અંગે જણાવવામાં આવ્યું હતું કે તે સમયના નાણાંપ્રધાને ચૂંટણી આચાર સંહિતા લાગુ થતાં અને 16 મે 2014એ પરિણામ જાહેર થતાં અગાઉ 13 મે 2014એ સુધારેલી યોજનાને મંજૂરી આપી હતી. ખાનગી કંપનીઓને આને લીધે ખોટો લાભ ઉઠાવવાની તક મળી હતી.
પૂર્વ નાણુપ્રધાન પી. ચિમ્બરમ સામે કાર્યવાહી કરવાનો સંકેત આપતાં નિવેદનમાં જણાવ્યું હતું કે સરકાર ચોક્કસ પરિસ્થિતિઓની તપાસ કરશે. તેમાં ખાનગી કંપનીઓને 80:20 યોજના હેઠળ સોનાની આયાતની મંજૂરી આપી કેમ લાભ પહોંચાડ્યો તેને પણ આવરી લેવામાં આવશે. તેમાં સંડોવાયેલા લોકો સામે સરકાર યોગ્ય કાર્યવાહી કરશે.