સોનિયાની ડિનર પાર્ટીમાં જવા ધૂરંધરો અવઢવમાં

સોનિયા ગાંધીના એક કાંકરે બે તીર: કોંગ્રેસ હજુ વિપક્ષી ખેમામાં લીડ કરતો પક્ષ દર્શાવવો છે નવી દિલ્હી તા.13
કોંગ્રેસ અધ્યક્ષ પદ રાહુલને સોંપી ચૂકેલ સોનિયા ગાંધી હજુ પણ મોદીની વિરૂદ્ધ ગઠબંધન બનાવા માટે વિપક્ષની ધરી રચવામાં લાગી રહ્યાં છે. રાહુલ ગાંધીને કોંગ્રેસની બાગડોર સોંપી દીધી છતાં મોદી વિરૂદ્ધ વિપક્ષનો મોરચો મજબૂત કરવો છે. તેને ધ્યાનમાં રાખતા તેમણે આજે પોતાના ઘરે તમામ વિપક્ષી પાર્ટીના નેતાઓને ડિનર પર બોલાવ્યા છે.
કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષા સોનિયાની કોશિષ 2019 માટે વિપક્ષને એકજૂટ કરવાની છે. આ ડિનર પહેલાં બેઠકોમાં આવનારા 18 પક્ષના નેતા કે તેમના પ્રતિનિધિ સામેલ થશે, પરંતુ સપા પ્રમુખ અખિલેશ યાદવ, બસપા સુપ્રીમો માયાવતી, તૃણમૂલ સુપ્રીમો મમતા બેનર્જી અને એનસીપી પ્રમુખ શરદ પાવરે હજુ સુધી સામેલ થવા પર સહમતિ વ્યક્ત કરી નથી.
જો કે સોનિયાના મેનેજર હજુ પણ કોશિષમાં છે કે કમ સે કમ પવાર અને મમતા તો હાજરી આપે જે પરંતુ હજુ સુધી તેને સફળતા મળી નથી. જો કે આ તમામે પોતાના પ્રતિનિધિ મોકલવા પર સહમતિ વ્યક્ત કરી છે.
આ ડિનર ડિપ્લોમેસી દ્વારા સોનિયા એક તીરથી બે નિશાન સાંધવા માંગે છે. વિપક્ષી નેતાઓને ડિનર પર બોલાવીને એ સાબિત કરવા માંગે છે કે મોદીના વિકલ્પ તરીકે બનનાર ગઠજોડનું નેતૃત્વ કોંગ્રેસની પાસે જ હશે.
સોનિયા ગાંધીનો એક મોટો સંદેશ એ છે કે તેઓ મમતા અને પવારના ત્રીજા મોર્ચાનું નેતૃત્વ કરવાની કોશિષને ખાસ ગણકારતા નથી. એવામાં ખુદ મમતા અને શરદ પવારનું ડિનરથી અત્યાર સુધી દૂર રહેવાનું કોંગ્રેસ માટે મુશ્કેલી ઉભી કરનારું છે. જો કે કોંગ્રેસ માને છે કે મોદીની વિરૂદ્ધ બધાને એક થવું પડશે અને આ આખા વિપક્ષની જવાબદારી છે. આ મુદ્દા પર કોંગ્રેસ નેતા પ્રમોદ તિવારીએ કહ્યું કે સમયનો તકાજો છે કે તમામ સાથે આવે, આજે ત્રીજા-ચોથા મોર્ચાનો કોઇ મતલબ નથી.
કોંગ્રેસ એમ સમજે છે કે રાહુલ ગાંધીના નેતૃત્વને લઇ પવાર અને મમતા જેવા નેતાઓને ખચકાટ છે. આથી સોનિયા 2019 સુધી ગઠબંધનની કમાન પોતાના હાથમાં રાખવા માંગે છે. આખરે આ બંને મોદી વિરોધનું નેતૃત્વ કરવાનું રાજકારણ રમી રહ્યાં છે.
મમતાનો રસ્તો અલગ
મમતાએ ત્રીજા મોર્ચાનો વિકલ્પ શોધવા માટે તેલંગાણાના સીએમ કેસીઆરને ફોન કર્યો હતો. ટીડીપી અને ટીઆરએસ એ કોંગ્રેસની બેકડોરથી કરાયેલ કોશિષો છતાંય ભોજનમાં આવવાની હાલ તો ના પાડી દીધી છે. આવી જ રીતે મરાઠા પવારની વાત કરીએ તો કોંગ્રેસને કેટલીય વખત ઝાટકા આપ્યા છે.