ગુજરાત વિધાનસભામાં છુટ્ટાહાથની મારામારી

બજેટ સત્રમાં પ્રજાના પ્રશ્ર્નોને બદલે ધાંધલ-ધમાલ, અપશબ્દોનો વરસાદ, માઇકના છુટ્ટા ઘા કરાયા
પ્રતાપ દૂધાત સમગ્ર સત્ર માટે અને અમરિષ ડેર, વિક્રમ માડમ 1 દિવસ માટે સસ્પેન્ડ અમદાવાદ તા.14
આજે ગુજરાત વિધાનસભા ગૃહમાં લોકશાહીને લાંછન લગાડતી ઘટના બની છે. ગૃહમાં આજે ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે છુટા હાથની મારા મારી થઈ હતી. અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પ્રશ્ર્નોત્તરી કાળ દરમિયાન આશારામ આશ્રમમાં અપમૃત્યુ પામેલા બાળકોનો પ્રશ્ર્ન ઉઠાવતા મામલો એવો બીચક્યો હતો કે ગુજરાત વિધાનસભાના રાજકીય ઈતિહાસનો કાળો દિવસ નોંધાઈ ગયો હતો.
આજે પ્રશ્નોત્તરી પુરી થયા બાદ ઝીરો અવર્સમાં કોંગ્રેસના બે ધારાસભ્યો અમરીશ ડેર અને વિક્રમ માડમને અધ્યક્ષે બોલવાની તક ના આપતા અકળાઈ ઉઠ્યા હતા. તો બીજી બાજુ ભાજપના કેટલાક ધારાસભ્યોએ કોંગ્રેસના આ ધારાસભ્યો સામે કોમેન્ટ કરતા અકળાયેલા વિક્રમ માડમે પોતાની બેઠકનું માઈક તોડી ભાજપના ધારાસભ્ય પર હુમલો કર્યો હતો.
વિધાનસભામાં પ્રશ્નોત્તરી બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના પોઈન્ટ ઓફ ઓર્ડર પર ચર્ચા ચાલી રહી હતી. આ પછી કોંગ્રેસના અંબરીષ ડેરે મુદ્દો ઉપસ્થિત કરવા પ્રયત્ન કર્યો હતો. અન્ય એક સભ્યએ પણ સવારથી તેમને પ્રશ્ન પુછવા દેવામાં આવતા નહીં હોવા સામે રોષ વ્યક્ત કર્યો હતો. આ વખતે અધ્યક્ષે અંબરીષ ડેરને ત્રણથી ચાર વાર બેસી જવાનું કહ્યું હતું પરંતુ અંબરીષ ડેરે અધ્યક્ષ સામે હાથ લાંબા કરીને પોતાને બોલવા દેવાનું જણાવ્યું હતું. તે વખતે ભાજપના કોઈ સભ્યએ કોમેન્ટ કરતાં અંબરીષ ડેર પોતાની જગ્યા છોડી ભાજપની પાછલી બાજુ ધસી ગયા હતા. તે વખતે વિક્રમ માડમ પણ જોડાતા અધ્યક્ષે તે બંને સભ્યોને ગૃહમાંથી આજના દિવસ માટે સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી હતી.
આમ છતાં આક્રમક રીતે અંબરીષ ડેર આગળ વધતા સાર્જન્ટ્સ ગૃહમાં આવીને તેમને પકડી લઈ ટીંગાટોળી કરીને બહાર લઈ ગયા હતા. તે વખતે ભાજપના કોઈ સભ્યએ ફરી ટીપ્પણી કરતાં કોંગ્રેસના એક ધારાસભ્યએ બેઠક પર રહેલું માઈક તોડીને ખેંચી નાંખી ભાજપના ધારાસભ્યને માર્યું છે. જેને પગલે ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યો સામ સામે આવી જતાં ભારે હોબાળો મચ્યો હતો. જેમાં અધ્યક્ષે ગૃહની કાર્યવાહી દસ મીનિટ માટે મુલત્વી રાખી હતી. તે પછી પણ ગૃહમાં અને ગૃહની બહાર ધારાસભ્યો દ્વારા આક્રમક તોફાન ચાલુ રહેતા કમાન્ડો ટીમ અધ્યક્ષથી લઈને સમગ્ર ગૃહને ફરતે ગેરી વળી છે. ઘટના દરમ્યાન પ્રતાપ દૂધાતે જગ્દીશ પંચાલને બેલ્ટ માર્યો હોવાની પણ બાબત સામે આવી હતી.
ઉલ્લેખનીય છે કે આ દરમ્યાન આશારામના આશ્રમમાં તાંત્રિક વિધિને નામે બે બાળકો અભિષેક અને દિપેશના મોત અંગેનો રિપોર્ટ ગૃહમાં ક્યારે મુકાશે તે અંગેના સવાલને પગલે આ આખો મામલો બિચક્યો હતો. જિગ્નેશ મેવાણીએ સાથે જ ભાજપમાં ઘણા આશારામના ભક્તો હોવાનો તિખો પ્રહાર પણ કર્યો હતો.
આ દરમિયાન અધ્યક્ષે બન્ને ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરવાનો આદેશ કરી ગૃહ 15 મિનિટ મુલતવી રાખ્યું હતું. જ્યારે કોંગી એમએલએ પ્રતાપ દુધાતને આખા સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાતે ભાજપના નિકોલ બેઠકના ધારાસભ્ય જગદીશ પંચાલ પર બેલ્ટથી હુમલો કર્યો હતો. કોંગ્રેસી ધારાસભ્યોએ મને મારી નાંખવાની ધમકી આપી : સંઘવી
ગાંધીનગર: વિધાનસભામાં મારામારીની ઘટના બાદ ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીએ ચોંકાવનારો આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસી ધારાસભ્યોએ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી છે.
સ્પીકરનું વલણ તટસ્થ નથી, એકતરફી છે : કોંગ્રેસનો આક્ષેપ
ગાંધીનગર: રાજ્ય વિધાનસભાની આજની લાંછનરૂપ ઘટનાના પ્રત્યાઘાતમાં કોંગ્રેસે ‘ગૃહ’ના અધ્યક્ષ પર ગંભીર આરોપ મૂક્યા હતા. કોંગ્રેસે અધ્યક્ષ ભરતસિંહ સોલંકી અને પક્ષ પ્રવકતા મનિષ દોશીએ જણાવ્યું હતું કે ભાજપ લોકશાહી અને કોંગ્રેસે બન્નેનો અવાજ દબાવવાની કોશિશ કરે છે અને સ્પીકર તટસ્થ રહેવાને બદલે મનમાની રીતે વર્તી લોકશાહીની હત્યા કરી રહ્યા છે. ભરતસિંહએ કહ્યું હતું કે મારામારીની શરૂઆત ભાજપે કરી હતી.