મુસીબતે હી સિખાતી હૈ ઇન્સાન કો જિંદગી જીને કા હુન્નર, કામયાબી કા મિલના કોઈ ઇત્તેફાક નહીં હોતા...

શિક્ષકની સાથે વિદ્યાર્થી અને વાલી પણ સાધારણ નથી હોતા એવું સાબિત કરી બતાવ્યું ડો. ડી.કે. વાડોદરીયાએ... આજે એક વિદ્યાર્થી, વાલી અને શિક્ષકનું જીવન મિરર. જેનું નામ ડો. ડી.કે. વાડોદરીયા છે.
વિદ્યાર્થી ડી.કે. વાડોદરીયાનો જન્મ લોધિકા તાલુકાનાં દેવગામે થયો છે. તેમણે પ્રાથમિક શિક્ષણ પોતાના ગામની સરકારી શાળામાંથી મેળવ્યું અને ત્યારબાદ રાજકોટની સી.એન. મહેતા સ્કૂલ તેમજ મવડીની પટેલ બોર્ડીંગમાંથી માધ્યમિક કક્ષાનો અભ્યાસ કર્યો. ગણિત-વિજ્ઞાનમાં રસ હોય ધોરણ 11-12 વિજ્ઞાનપ્રવાહ આલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથી અને બીએસ.સી. વિરાણી સાયન્સ કોલેજમાંથી તેમજ એમએસ.સી. સૌ.યુનિ.માંથી ભણીને અનુસ્નાતક થયા. આટલું ઓછું ન હોય ડિપ્લોમા માર્કેટિંગ એમ.એસ. યુનિ. બરોડાથી કર્યું. શિક્ષણની જ્ઞાન પીપાસાને સંતોષવા સૌ. યુનિ. સંલગ્ન સંસ્થાઓમાંથી જ પત્રકારત્વ કર્યું, બી.એડ. કર્યું, એમ.એડ. કર્યું અને અંતે શિક્ષણનાં વિષય સાથે પીએચ.ડી.ની પદવી મેળવી. ડી.કે.ની આ ઓપચારિક શૈક્ષણિક સફર અહીં પૂર્ણ થઈ. રિમાર્ક કરવા જેવી બાબત એ છે કે, તેઓ આજે પણ એક ખૂબ સારા જિજ્ઞાસુ વિદ્યાર્થી છે.
ડી.કે. વાડોદરીયાને એક દીકરી છે, શાક્ષી એનું નામ. ડી.કે. જ્યારે પિતા બન્યા અને દીકરીને પ્રાથમિક શિક્ષણ આપવાની ઘડી આવી ત્યારે તત્કાલીન શિક્ષણ પદ્ધતિને લઈને સૌ માતા-પિતા જેવી જ તેમની પણ પરિસ્થિતિ. વિદ્યાર્થી અને શિક્ષક ડી.કે. અંતે તો વાલી. આથી પોતાની એકની એક દીકરીનાં શૈક્ષણિક ભવિષ્ય અંગેની મુંજવણ તેમને સતાવતી. આ સમયે તેઓ બધા વાલીઓથી અલગ એ રીતે પડ્યા કે તેમણે બીબાઢાળ વ્યવસ્થાને આધીન થવાના બદલે એ શિક્ષણ વ્યવસ્થાને સુવ્યવસ્થિત બનાવી. અને એ સુવ્યવસ્થિત શૈક્ષણિક વ્યવસ્થાને પોતાનાં સંતાન પૂરતી સીમિત ન રાખતા હજારો વિદ્યાર્થી-વાલીઓનાં હિતાર્થે અમલમાં લાવી એક એવા શૈક્ષણિક સંકુલનું નિર્માણ કર્યું જેણે શિક્ષણ સિવાયનાં જાહેર જગતમાં ડો. ડી.કે. વાડોદરીયાને એક શ્રેષ્ઠ વિદ્યાર્થી, વાલી અને શિક્ષક તરીકેની નામના અપાવી.
અને હવે શિક્ષક ડી.કે. વાડોદરીયા. એવું કહેવાય છે કે, અમૂક આત્માઓનો જન્મ આજીવન પરીક્ષાઓ આપવા માટે થાય છે. ડી.કે. સારા શિક્ષક હોવા છતાં જન્મ્યા ત્યારથી લઈ આજ સુધી ઈશ્વરે પરિક્ષક બની તેમની વારંવાર આકરી કસોટીઓ લીધી છે. અગાઉ જોયું તેમ ડી.કે.નું જીવન ક્યારેય સરળ અને સીધું ન હતું. નાનપણમાં બાળક ડી.કે.એ ખેડૂત પિતાને આર્થિક તંગી વચ્ચે હાડમારીઓ ભોગવતા જોયેલા. ઘરની પરિસ્થિતિ અત્યંત નબળી અને જ્યાં પાયાની સુખ-સુવિધાની ખોટ હોય ત્યાં સરકારી શાળાનાં મફત શિક્ષણ બાદ ઘરમાંથી રૂપિયા લઈને ફી ભરી ઉચ્ચ શિક્ષણ મેળવવાની ઈચ્છા કેમ રાખવી? તેમ છતાં જાત મહેનતે ડી.કે. ધોરણસર ચોપડીઓ ભણતા ગયા, અવનવું શીખતા ગયા. તેમને પરણાવી દેવામાં આવ્યા. વિજ્ઞાનમાં અનુસ્નાતક થઈ તેઓ બરોડા ગયા. જ્યાં તેમણે કેમિકલ પ્લાન્ટ અને લેબોરેટરીમાં કામ કર્યું. સાથેસાથે માર્કેટિંગનો અભ્યાસ કરતા-કરતા આયાત-નિકાસનાં ઉમદા અનુભવ પછી ધંધામાં નસીબ અજમાવવા તેઓ રાજકોટ આવ્યા, જ્યાં 1997ની સાલમાં મિત્રો સાથે મળી શાપર-વેરાવળમાં એક કેમિકલ ફેક્ટરી નાંખી. આ દરમિયાન ડી.કે.એ ધંધામાં તમામ પ્રકારની સમસ્યાઓ વેઠી, ધંધો ચોપટ થઈ ગયો. રાજકોટ આવીને ડી.કે. એક પછી એક નાપાસ થતા ગયા. નિષ્ફળતાનું પરિણામ એ આવ્યું કે, તેઓ નાદુરસ્તીનો ભોગ બન્યા. નિરાશા અને હતાશાએ આ માણસને તન-મન-ધનથી તોડી-મચોડી નાખ્યો. એક સાંધવાનું વિચારે ત્યાં તેરસો તૂટવા તૈયાર હોય તેવાં સંજોગો વચ્ચે પણ અંતે તો નાસીપાસ થાય એ થાય એ ડી.કે. નહીં.
ડી.કે.ને અધ્યાત્મ પ્રત્યે આકર્ષણ. કોઈ ધર્મ કે સંપ્રદાયમાં જોડાયા અનુસર્યા વિના પણ સૌ પ્રત્યે આદર અને આવકાર. કસોટીનાં કપરાકાળે ડી.કે.એ અધ્યાત્મની સાધના કરતા શિબિરોમાં ભાગ લીધો. ફરી એકવાર ફિનિક્ષ પક્ષીની જેમ રાખમાંથી બેઠા થવા આત્મવિશ્વાસ કેળવી લીધો. આ બધા વચ્ચે આર્થિક તંગીને પહોંચી વળવા શું કરવું શું ન કરવું એ યક્ષપ્રશ્ર્ન તો હજુ હતો જ. તેવામાં એક દિવસ ડી.કે.ની દરેક પરિસ્થિતિમાં ડગલે પગલું માંડનાર પત્ની જયશ્રીએ કહ્યું, ’આપણી પાસે લાયકાત છે. શિક્ષક બની જઈએ તો?’ બીજા દિવસથી બંને દંપતીએ શિક્ષણક્ષેત્રમાં ઝંપલાવ્યું. 2002ની સાલમાં ડી.કે.એ 2500 રૂ.નાં પગારથી વિજ્ઞાન શિક્ષકની નોકરી એક સ્કૂલમાં સ્વીકારી. 2018ની સાલમાં જે સ્કૂલમાં ડી.કે.એ શિક્ષકની નોકરીથી શૈક્ષણિક કારકિર્દીની શરૂઆત કરી હતી તેની બાજુમાં આજે ડો. ડી.કે. વાડોદરીયાને 2500થી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી પોતાની પંચશીલ સ્કૂલ છે.
2008ની સાલમાં ડી.કે.એ પંચશીલ એજ્યુ. ક્ધયા વિદ્યાલયનું સંચાલન હસ્તગત કર્યું પણ તેમાં ધારેલી સફળતા ન મળી. જીવનસફરનાં ઘાટ-ઘાટની પરિસ્થિતિઓનાં પાણી પીપીને ડી.કે હવે ઘડાઈને પાણીદાર બની ગયા હતા. આથી તેમણે એકલા હાથે પંચશીલ સ્કૂલને શિક્ષણજગતમાં શ્રેષ્ઠ પરિણામલક્ષી સ્કૂલ બનાવવાનો સંકલ્પ કરી લીધો. 2011ની સાલમાં ડો. ડી.કે. વાડોદરીયાએ પંચશીલ એજ્યુ.નું નવસર્જન કરી પંચશીલ સ્કૂલની સ્થાપના કરી. જે સ્કૂલને ડી.કે.એ પોતાનાં અનુભવ અને આવડતનાં દમ પર દુનિયાને ભાર વગરનાં ભણતરની શાળા કેવી હોય તે દર્શાવ્યું.
વિદ્યાર્થી, વાલી અને શિક્ષકની ત્રેવડી ભૂમિકા ભજવનાર ડો. ડી.કે. વાડોદરીયાએ શાળા સંચાલક પદ પરથી પંચશીલ શૈક્ષણિક સંકુલનાં નિર્માણ દ્વારા છેવાડાનાં વિસ્તારનાં વિદ્યાર્થી અને વાલીઓની તમામ શૈક્ષણિક અને સામાજિક સમસ્યાનું નિરાકરણ લાવ્યું. ટૂંકસમયમાં ડી.કે.એ પોતાનાં અનુભવ બીજોથી વાવેલી પંચશીલ સ્કૂલ બ્રિટીશ કાઉન્સિલ દ્વારા સતત 2 ઈન્ટરનેશનલ સ્કૂલ એવોર્ડ અને ગીનીશ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ સહિત 31 વર્લ્ડ રેકોર્ડ સર્જનારી તેમજ નોર્થ ઈંગ્લેંડની ચાર સ્કૂલ સાથે ગ્લોબલ એજ્યુકેશનનાં રિલેશન ધરાવનારી ગુજરાતી માધ્યમની એકમાત્ર સ્કૂલ બની. અસ્તિત્વવાદી વ્યક્તિત્વ ધરાવનાર નખશીખ મૂલ્યનિષ્ઠ માનવી ડી.કે. ગાંધીજીથી અત્યંત પ્રભાવિત આથી તેમણે ગાંધી જીવનદર્શન અને ગાંધીયાત્રા વિષયક વિદ્યાર્થી અને વાલીઓ સાથે મળી કરેલી કામગીરીની નોંધ વિશ્વકક્ષાએ લેવાઈ.
જીવનનાં અનેક ઉતાર-ચઢાવ વચ્ચે 2007ની સાલમાં એમ.એડ.ની પરીક્ષા દરમિયાન ડી.કે.નાં એક ભાઈનું આકસ્મિક મૃત્યુ નીપજ્યું છતાં તેઓએ ઘર-પરિવાર અને સ્વયંને સાચવી લેતાં એ પરીક્ષામાં યુનિ. ફર્સ્ટ આવ્યા. થોડાં વર્ષો વિત્યા ત્યાં 2013ની સાલમાં તેમનાં બીજા ભાઈનું પણ આકસ્મિક મૃત્યુ થયું. વળી થોડા વર્ષો બાદ ડી.કે.નાં પિતાનું અવસાન થયું. આમ, ડી.કે.નાં જીવનમાં સબંધો હોય કે વ્યવસાય.. સફળતા અને સઘર્ષ, નફો અને નુકસાન સમાંતર ચાલ્યા આવ્યા..
ઈશ્ર્વર માસ્તર બની ડી.કે.ની પરીક્ષા લેતો ગયો છે અને ડી.કે. વિદ્યાર્થી, વાલી અને શિક્ષકની ભૂમિકા ભજવતા ભજવતા દરેક પરીક્ષામાં પાર ઉતરતા ગયા છે. તેઓ પણ ક્યારેક હતાશ થયા, ક્યારેક નાપાસ થયા પણ ડી.કે. એ હાર ન માની કે હિંમત ન છોડી. તેઓ વિચાર, વાણી અને વર્તનમાં વ્યવહારિક બની રહ્યા. અંજામ એ આવ્યો કે, આજે એક એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે જ્યારે અધ્યાત્મ, સાહિત્ય અને શિક્ષણ પ્રત્યેનાં લગાવે ડી.કે.ને એક સારા મોટીવેશનલ કાઉન્સિલર અને શાળા સંચાલક બનાવ્યા છે. તેમની શાળાનાં વિદ્યાર્થી-વાલી હોય કે અન્ય કોઈ લોકો હોય.. ડી.કે.નાં અનુભવવિશ્ર્વમાં તમામ સમસ્યાનું નિરાકરણ સરળતાથી મળી રહે.
કેટલાંક માણસો શૂન્યમાંથી સર્જન કરતા હોય છે ત્યારે ડો. ડી.કે. વાડોદરીયા નામનાં માણસે માઈનસમાંથી પ્લસ કર્યું છે. તેમણે કોઈની સાડી બાર રાખ્યા વિના સંઘર્ષ કર્યા પછી સફળતા સાથે સંઘર્ષ કરતા ફરી સફળતા મેળવી એ મોટી વાત નથી, કાલે ફરી સંઘર્ષ માટે તેઓને તૈયાર પણ રહેવું પડે. સૌથી મહત્વની બાબત એ છે કે, ડી.કે.એ શ્રદ્ધા અને શિક્ષણને પોતાની શક્તિ બનાવી ડંકે કી ચોટ પર સાબિત કરી આપ્યું.. શિક્ષકની સાથે વિદ્યાર્થી અને વાલી પણ સાધારણ નથી હોતા.. મિરર   મંથન ડી.કે. વાડોદરીયાએ જ્યારે 2002ની સાલમાં વિજ્ઞાન શિક્ષક અને તેમની પત્ની જયશ્રીએ અન્ય એક સ્કૂલમાં નોકરી કરવાની શરૂઆત કરી ત્યારબાદ 2004ની સાલમાં એક એવો પણ તબ્બકો આવ્યો જ્યારે શિક્ષણ સેવામાંથી નિવૃત્તિ લઈ ડી.કે.એ સુરત શહેરમાં માર્કેટિંગ ક્ષેત્રે સ્થાયી થવાનું વિચાર્યું. બધું જ જાણે નક્કી હતું કે રાજકોટ આવવાનું તો ફરી બનશે નહીં.
શિક્ષકની નોકરી પૂરી. હવે માર્કેટિંગ જ જીવનમંત્ર. ત્યાં જ ડી.કે.નાં અંતરઆત્માએ ડી.કે.ને શિક્ષણને જ પ્રાધાન્ય આપવાનું સૂચવ્યું. ડી.કે.એ અંતરઆત્માનાં અવાજને ઇશ્ર્વરનો આદેશ માન્યો. તેમણે 2004ની સાલમાં બી.એડ., 2007ની સાલમાં એમ.એડ. કર્યું અને પછી પીએચ.ડી.ની પદવી મેળવી. વચ્ચે 2006ની સાલમાં પત્રકારિત્વનો અભ્યાસ પણ ભણ્યો. આ તમામ શૈક્ષણિક અભ્યાસ ડી.કે.એ શિક્ષકની નોકરી કરતા-કરતા લીધો. શિક્ષકની નોકરી મૂકી એક કોલેજનો વહીવટ પણ સંભાળ્યો. અને આગળ જતાં ડી.કે.એ પંચશીલ સ્કૂલ થકી શૈક્ષણિક ક્ષેત્રે સફળતાનાં શિખરો સર કર્યા. ડી.કે.ની આ સંઘર્ષમાંથી સફળતા તરફ પ્રયાણ કરતી જીવનયાત્રામાં તેમની પત્ની જયશ્રી હંમેશા પ્રેરણાસ્ત્રોત બની જરૂરી પ્રેરકબળ પૂરું પાડતાં ડી.કે.ની સફળતાનાં ખરા હક્કદાર બન્યા છે. જો ડો. ડી.કે. વાડોદરીયાએ અંતરઆત્માનો અવાજ ન સાંભળ્યો હોત કે તેને નજર અંદાજ કર્યો હોત તો ? જીવન મિરર ભવ્ય રાવલ