ભગવાન મહાવીર સ્વામી જન્મકલ્યાણ ઉજવણી નિમિત્તે જૈન વિઝન દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો


ભગવાન મહાવીર સ્વામીની 2617મી જન્મ કલ્યાણક ઉજવણી થઇ રહી છે. આખો માસ કાર્ફક્રમોની હારમાળા દ્વારા અનેક વિધ કાર્યક્રમો યોજવામાં આવેલા છે. પ્રથમ કાર્યક્રમ વ્યાખ્યાન બાદ માનવતાના કાર્ય રૂપે એક રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં 17500 સીસી રકત એકત્ર કરાયુ છે.
આ કાર્યક્રમને જૈન સમાજના અગ્રણી પ્રવિણભાઇ કોઠારી દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકેલ. સોનમ કવાર્ટઝના જયેશભાઇ શાહના અધ્યક્ષ સ્થાનેથી જણાવેલ કે, ભારતમાં પ્રથમ કહી શકાય તેવી પ્રણાલીનો ચીલ્લો શરૂ કરનાર જૈન વિઝન ને ખુબ ખુબ અભિનંદન આપેલા અને તમામ કાર્યક્રમોને ખુબજ સફળતા મળે તેવી શુભેચ્છા પાઠવેલી હતી.
સવારથીજ બહેરા - મુંગા શાળા ખાતે રકતદાતાઓ પોતાનું અમુલ્ય રકત આપવા પહોંચી ગયા હતાં. આ તમામ રકતદાતાઓને જૈન વિઝન તરફથી ગીફ્ટ તથા ફીલ્ડ માર્શલ બ્લડ બેંક તરફથી સ્મૃતિ ચીન્હ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને બિરદાવવા જૈન અગ્રણી દર્શનભાઇ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા.
જૈન વિઝન દ્વારા યોજાયેલા આ કાર્યક્રમને સફળ બનાવવા 150 થી પણ વધારે લેડીઝ-જેન્ટસ કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.