ફિલ્મ અને ટીવી અભિનેતા નરેન્દ્ર ઝાનું નિધન થયું


મુંબઈ, તા.14
ફિલ્મ ઘાયલ વન્સ અગેઇનમાં વિલેનનું પાત્ર નિભાવનારા ફિલ્મ કલાકાર નરેન્દ્ર ઝાનું 55 વર્ષની ઉંમરે નિધન થયું છે. નરેન્દ્ર ઝાનું નિધન કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું હોવાનું જણાવવામાં આવ્યું છે. બિહારનાં મધુબનીમાં જન્મેલા એક્ટર નરેન્દ્ર ઝા શાહિદ કપૂરની હૈદર અને શાહરૂખ ખાનની રઇસ ફિલ્મમાં પણ કામ કરી ચુક્યા છે. નરેન્દ્ર ઝાએ હમારી અધુરી કહાની, મોહે-જો-દડો, શોરગુલ અને ફોર્સ-2માં પણ મજબુત પાત્ર નિભાવ્યા હતા. નરેન્દ્ર ઝાએ ટીવી પર આવેલી પૌરાણિક સીરિયલ રાવણમાં પણ મુખ્ય પાત્ર નિભાવ્યું હતું અને તેમના અભિનયની ભારે પ્રશંસા થઇ હતી.
નરેન્દ્ર ઝાએ 1992માં એસઆરસીસી માં એક્ટિંગમાં ડિપ્લોમાં કોર્સમાં એડમિશન લીધું હતું. તેમણે જવાહર નહેરુ યુનિવર્સિટીમાંથી હિસ્ટ્રીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હતું, પરંતુ તેઓ દિલ્હી છોડીને મુંબઇ આવી ગયા અને અહીં તેમને મોડલિંગની સારી ઑફર્સ મળવા લાગી હતી. મોડલિંગની સાથે સાથે તેમણે ઘણાં ટીવી શોમાં કામ કર્યું અને લગભગ 20 ટીવી શોમાં તેઓ નજર પણ આવ્યા હતા. તેઓ શ્યામ બેનેગલની ફિલ્મ નેતાજી શુભાષચંદ્ર બોઝમાં પણ મહત્વનાં પાત્રમાં જોવા મળ્યા હતા. સંવિધાનમાં તેઓ મોહમ્મદ અલી જિન્નાનું પાત્ર પણ નિભાવી ચુક્યા છે.