રાઠવાને ચૂંટણીપૂર્વે જ હરાવી દેવા ‘રાંઢવા’ લેતા ભાજપ નેતા

અમદાવાદ તા,14
ગુજરાતમાંથી કોંગ્રેસના રાજ્યસભા ઉમેદવાર નારણ રાઠવા વિરુદ્ધ ભારતીય જનતા પક્ષ (ભાજપ)એ ચૂંટણી પંચનો દરવાજો ખખડાવ્યો છે. ભાજપના નેતા પીયૂષ ગોયલ, ભૂપેન્દ્ર યાદવ અને મુખ્તાર અબ્બાસ નકવી ચૂંટણી પંચના કાર્યાલય ગયા છે. બીજી તરફ કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ કહ્યું છે કે, ઊલટા ચોર કોટવાલ કો ડાંટે. અહમદ પટેલની ચૂંટણીમાં પણ આવો જ પેંતરો ભાજપે કર્યો હતો, પણ તેમાં તેને સફળતા મળી નહોતી. ગુજરામાં અમારી પાસે બહુમત બે સાંસદોના જીતવાનો છે. નારણ રાઠવાનું નામાંકન બિલકુલ યોગ્ય છે.
આ પહેલાં ભાજપે કોંગ્રેસના રાજ્યસભા ઉમેદવાર વિરુદ્ધ લોકસભા સ્પીકાર સુમિત્રા મહાજનને પત્ર લખી આરોપ લગાવ્યો હતો કે, રાઠવાએ સંસદમાંથી જે નો ડયૂઝ સર્ટિફિકેટ લીધાં છે, તેમાં ગરબડ છે.
ભાજપ સાંસદ સંજય જયસ્વાલે લોકસભા સચિવાલય પાસે જાણકારી માગી હતી કે, નારણ રાઠવાને નો ડ્યૂઝ સર્ટિફિકેટ 12 માર્ચ, 2018ના રોજ ક્યારે આપવામાં આવ્યું હતું? લોકસભા સચિવાલયે જે જાણકારી ભાજપના સાંસદ સંજય જયસ્વાલને લેખિતમાં આપી છે, તે અનુસાર 12 માર્ચ, 2018ના રોજ 3.35 વાગ્યે નારણ રાઠવાના સ્ટાફને નો ડ્યૂઝ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું.
ભાજપે લોકસભા સ્પીકરને ફરિયાદ કરી છે કે, રાઠવાએ તે પહેલાં રાજ્યસભા ઉમેદવારના નોમિનેશન પેપર ભર્યાં હતાં, જેમાં તેમણે આ નો ડ્યૂઝ સર્ટિફિકેટ પણ આપ્યું હતું, જ્યારે નોમિનેશન ભરવાનો અંતિમ સમય 3 વાગ્યા સુધીનો હતો અને લોકસભા સચિવાલયના અનુસાર સર્ટિફિકેટ 3.35 વાગ્યે આપવામાં આવ્યું હતું. ભાજપે આ મામલે તપાસની માગ કરી છે. સૂત્રોના મુજબ, લોકસભા સ્પીકરે તેની તપાસના આદેશ પણ આપ્યા છે.