મીઠી ચટણીનો સ્વાદ લાગ્યો તીખો

ફુડ શાખાએ લીધેલા
મીઠી ચટણીના નમુનામાં સીન્થેટીક ફુટ, કલર ભેળસેળ નીકળતા ફુડ
સેફ્ટી એક્ટ હેઠળ ફરીયાદ થઇ હતી રાજકોટ,તા.14
શહેરમાં હાલ ખાણી-પીણીની વસ્તુઓમાં ભેળસેળના કિસ્સાઓ અવાર-નવાર સામે આવે છે ત્યારે ભેળસેળ કરનારા વેપારીઓને ઝટકો લગાડતો ચુકાદો કોર્ટે આપ્યો છે જેમાં લાખાજીરાજ રોડ વાળા રવિરાજ ભેળ હાઉસના માલીકને ભેળસેળના ગુનામાં કોર્ટે છ માસની કેદની સજા અને દંડ ફટકારતા વેપારીને મીઠી ચટણીનો સ્વાદ તીખો લાગ્યો છે
આ કેસની વિગત મુજબ રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય શાખાના ફુડ સેફટી ઓફીસરે અમિત એન. પંચાલ દ્વારા લાખાજીરાજ રોડ ઉપર આવેલા રવિરાજ ભેળ હાઉસમાં દરોડો પાડી ચંકિંગ દરમ્યાન મીઠી ચટણીમાં ભેળસેળ લાગતાં તેનો નમુનો લઇ બરોડા લેબોરેટરીમાં મોકલાયો હતો અને પૃથ્થકરણ દરમ્યાન મીઠી ચટણીમાં સેન્થેટીક ફુડ કલર ભેળવવામાં આવ્યો હોવાનો રિપોર્ટ આવતા ફુડ સેફટી ઓફીસર અમિત પંચાલે જરૂરી કાર્યવાહી કરી રવિરાજ ભેળ હાઉસના માલિક સુરેશ રન્ધોરભાઇ બળોખરીયા તથા ફુડ બિઝનેસ ઓપરેટર સની સુરેશ બળોખરીયા વિરૂદ્ધ ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ ફરીયાદ દાખલ કરી હતી.
ચાલુ કેસ દરમ્યાન ફુડ બિઝનેસ ઓપરેટર સગીર જણાતા કોર્ટે તેનો કેસ અલગ કરી બાળ અદાલતમાં મોકલી અને માલીક સામેના કેસ ચલાવેલો જેમાં વેપારીએ ખોટી રીતે આર્થિક લાભ મેળવવાના ઇરાદાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરેલ છે તથા મીઠી ચટણીની અંદર કાયદાથી પ્રતિબંધિત સિન્થેટીક કલરનો ભેળસેળ કરી કાયદાનો ભંગ કર્યો હોવાની તેને તકસીરવાન ઠેરવી છ માસની સજા અને રૂા.10 હજારનો દંડ ફટકારતો હુકમ કરતાં ભેળસેળ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. આ કામમાં રાજકોટ મ્યુનીસિપલ કોર્પોરેશન વતી એડવોકેટ જીજ્ઞેશ શાહ રોકાયા હતા.