રણછોડનગરમાં ઇન્ડોસ કંપનીના ટાવરમાંથી કોપર વાયરની ચોરી કરવા ચડેલો બજરંગવાડીનો શખ્સ ઝડપાયો

રાજકોટ તા.14
રાજકોટ શહેરમાં ચોરીના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે ત્યારે રણછોડનગરમાં ઇન્ડોસ કંપનીના ટાવર ઉપર ચડી કોપર વાયરની ચોરી કરતા બજરંગવાડીના શખ્શને ઝડપી લઇ પૂછતાછ કરતા પોતે અગાઉ આવી જ ખાનગી કંપનીમાં નોકરી કરતો હોય ત્યારે એન્જીનીયરો હેરાન કરતા હોય તેનાથી કંટાળી નોકરી મુક્યા બાદ વેર વાળવા ચોરીના રવાડે ચડ્યો હોવાની કબૂલાત આપી હતી અત્યાર સુધીમાં જુદા જુદા 27 સ્થળોએ ચોરી કરી હોવાની કબૂલાત આપતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે
રાજકોટના જંકશન પ્લોટમાં આવેલ ગોવર્ધન એપાર્ટમેન્ટમાં રહેતા અને મેક્સ સિક્યુરિટી કંપનીમાં ડીસ્ટ્રીકટ ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા દિનેશસિંહ શ્યામસિંહ રાજપૂત નામના યુવાને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતે જે કંપનીમાં નોકરી કરે છે તે કંપની જુદી જુદી કંપનીના ટાવરની સિક્યુરિટીનું કામ કરે છે હાલ આ કંપની દ્વારા ઇન્ડોસ કંપનીના ટાવરની સિક્યુરિટીનો કોન્ટ્રાકટ હોય રણછોડનગર શેરી નંબર 9માં ઇન્ડોસ કંપનીના ટાવરમાં બજરંગવાડીમાં રહેતો ઇમરાન ઇલિયસભાઈ મકરાણી નામનો શખ્શ ચોરી કરવાના ઇરાદે ચડ્યો હોય આ અંગે કંટ્રોલમાં જાણ કરવામાં આવતા બી ડિવિઝન પોયલીસ સ્ટેશનના એ એસ આઈ કર્મદીપભાઈ વાળા સહિતનો કાફલો દોડી ગયો હતો અને આરોપીને ઝડપી લઇ પૂછતાછ કરતા આરોપી ઇમરાન અગાઉ આવી જ ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો ત્યારે એન્જીનીયરોને લેવા મુકવા જવાનું કામ કરતો હતો ત્યારે એન્જીનીયરો ખોટીરીતે હેરાન કરતા હોય તેનાથી કંટાળી આ નોકરી મૂકી દીધા બાદ વેર વાળવા ચોરીના રવાડે ચડી ગયો હતો અને અત્યાર સુધીમાં જુદી જુદી કંપનીના 27 ટાવરને નિશાન બનાવી કોપર વાયરની ચોરી કરી હોવાની અને પાણીના ભાવે વેચી દીધા હોવાની કબૂલાત આપી હતી કંપનીના જણાવ્યા પ્રમાણે પોતાના ટાવરમાં લાગેલા 3.65 લાખના કોપર વાયરની ચોરી થઇ હોવાનું જાણવા મળ્યું છે પોલીસે આ અંગે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.