જંગલેશ્ર્વરમાંથી બારણું ખોલી નીકળી ગયેલ ત્રણ વર્ષના બાળકને શોધી પરિવારને સોંપતી પોલીસ

રાજકોટ તા.14
રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાંથી બારણું ખોલી નીકળી ગયેલ ત્રણ વર્ષનું બાળક ગુમ થઇ ગયા અંગે પોલીસને જાણ કરતા ભક્તિનગર પોલીસે તાબડતોબ જુદી જુદી ટિમો દોડાવીને આઇવે પ્રોજેક્ટની મદદ લઇ બાળકની શોધખોળ હાથ ધરી હતી અંતે બાળક એક દરગાહે પહોંચતા તેનો કબ્જો લઇ વાલીને સોંપવામાં આવ્યું હતું.
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં આરએમસીના ક્વાર્ટરમાં બ્લોક નંબર 17ના ક્વાટર નંબર 194માં રહેતા હાફિઝ મન્સુરીનો ત્રણ વર્ષનો પુત્ર શાનબાઝ ઘરનો દરવાજો ખોલી ઘરેથી નીકળી ગયા બાદ ગુમ થઇ જતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી દરમિયાન આ મામલો પોલીસ સ્ટેશને પહોંચતા ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ વી કે ગઢવી સહિતના સ્ટાફે બાળકને શોધવા જુદી જુદી ટિમો બનાવીને આઇવે પ્રોજેક્ટની મદદ લઇ દોડધામ શરુ કરી હતી પરંતુ બાળક નાનું હોય કઈ બોલતું નહિ હોવાથી તેને શોધવું મુશ્કેલ હતું આ સમયે જ બાળક જંગલેશ્વરમાં આવેલ હસનશાહ પીરની દરગાહે પહોંચ્યું હોય તેવું એલાન મસ્જિદમાંથી કરવામાં આવતા પોલીસ તુરંત ત્યાં દોડી ગઈ હતી અને બાળકનો કબ્જો લઇ પરિવારને સોંપી દીધો હતો બાળક હેમખેમ મળી જતા પોલીસે અને પરિવારે હાશકારો અનુભવ્યો હતો.