સંતોષ પાર્કમાં વણિક પરિવારના બંધ મકાનના તાળા તોડી 1.98 લાખનો હાથફેરો કરતા તસ્કરો

રાજકોટ તા.14
રાજકોટ શહેરમાં તસ્કરો દરરોજ કોઈ ને કોઈ જગ્યાએ હાથફેરો કરી પોલીસને પડકાર ફેંકી રહ્યા છે ત્યારે સંતોષ પાર્કમાં અઠવાડિયાથી બંધ મકાનના તાળા તોડી તસ્કરો 1.98 લાખનો મુદામાલ ઉઠાવી જતા પોલીસ કાફલો દોડી ગયો હતો વણિક દંપતી નાના દીકરાને મળવા આણંદ ગયા હતા ત્યારે મોટો દીકરો વૃક્ષોને પાણી પીવડાવવા આવ્યો ત્યારે દરવાજો ખુલ્લો જણાતા ચોરી અંગે જાણ થઇ હતી.
રાજકોટના નાણાવટી ચોક નજીક આવેલ સંતોષ પાર્ક શેરી નંબર 4 માં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા હેમંતભાઈ છોટાલાલ વજીર નામના વણિક યુવાને યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમના માતા - પિતા સંતોષ પાર્ક શેરી નંબર 3માં રહે છે એકાદ સપ્તાહ પૂર્વે માતા - પિતા આણંદ રહેતા અને ફોર્ડ કંપનીમાં નોકરી કરતા નાના ભાઈ પ્રજ્ઞેશને મળવા ગયા હતા ફરિયાદી મોટો દીકરો થતો હોય દર બે દિવસે માં - બાપના ઘરે વૃક્ષોને પાણી પીવડાવવા આવતો હતો શનિવારે આવ્યા બાદ સોમવારે ફરીથી પાણી પીવડાવવા ગયો ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો જોવા મળ્યો હતો ચોરી થઇ હોય તે શંકાએ કંટ્રોલમાં જાણ કરતા યુનિવર્સીટી પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે એન ડોડીયા સહિતનો કાફલો દોડી ગયો હતો તપાસ કરતા તસ્કરો મકાનનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી કબાટમાં રાખેલા સોના ચાંદીના દાગીના અને રોકડ સહીત 1,97,500 રૂપિયાનો મુદામાલ ઉઠાવી ગયા હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસે ચોરીનો ભેદ ઉકેલવા અને તસ્કરોનું પગેરું મેળવવા તજવીજ
હાથ ધરી છે.