સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિન્ડીકેટમાં રૂ.247 કરોડના બજેટને બહાલી

રાજકોટ, તા. 14
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગઈકાલે સિન્ડીકેટ બેઠક મળી હતી. જેમાં ફાયનાન્સ કમિટીએ રૂા.247 કરોડના વાર્ષિક અંદાજપત્રને બહાલી આપી હતી. વિદ્યાર્થી અને સમાજલક્ષી યોજનાઓનો સમાવેશ કરતા દરેક ભવનના એક રિસર્ચ સ્ટુડન્ટને મેરીટોરીયલ રીસર્ચ ફેલોશીપ 10000 પ્રતિ માસ આપવા યોજના ઘડાઈ
હતી. તેમજ થેલેસેમિયા મેજર વિદ્યાર્થીને કોલેજ શિક્ષણ ફ્રી આપવા નિર્ણય કરાયો હતો.
સિન્ડીકેટ સભ્યોની ગઈકાલે મળેલી બેઠકમાં મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતાં. યુનિ.ના કાર્યકારી કુલપીત ડો.કમલ ડોડીયાની ઉપસ્થિતિની આ પ્રથમ સિન્ડીકેટ હતી જેમાં ફાયનાન્સ કમીટીએ રૂા.247 કરોડના વાર્ષિક અંદાજપત્રને મંજુરી આપી હતી. તેમજ સ્ટુડન્ટ ડેવલપમેન્ટ અને સ્કીલ ડેવલપમેન્ટ માટે 1 કરોડની ફાળવણી કરાઈ હતી. આગામી સમયમાં યુનિ.માં જોબ ફેર યોજવાની વિચારણા કરવામાં આવી હતી. થેલેસેમિયા ડે નિમિતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ આયોજન કરવામાં આવશે. જે કોલેજમાં લાઈબ્રેરીયનની જગ્યા ભરાયેલી હોય તે કોલેજના પુસ્તક ખરીદી માટે 10000 ફાળવાશે, રૂસાની ગ્રાન્ટમાંથી સામયીક માટે રૂા.50 લાખ તથા ઈ.જર્નલ, પુસ્તક તથા ઈ-બુકસની ખરીદી માટે રૂા.1 કરોડની ફાળવણી કરવા સહિતના અંગેના નિર્ણય લેવામાં આવ્યા હતાં.
આ ઉપરાંત તબીબી વિદ્યાશાખા હેઠળ આવતી તમામ પરીક્ષાઓની ઉતરવાહીનાં પુન: મુલ્યાંકનની કામગીરી અન્વયે પરીક્ષકોના મહેનતાણામાં વધારો કરવા અને કાયદા વિદ્યાશાખાની સભાના ઠરાવ અન્વયે એલએલબી (ત્રણ વર્ષ)ના સેમે 1 થી 6 ના સુધારેલ અભ્યાસક્રમ જુન 2017 થી એક સાથે અમલમાં મુકવા અભ્યાસક્રમનાં ઓડીનન્સ 1 થી 20 મંજુર કરવા અંગે બહાલી આપવામાં આવી હતી. બેઠકમાં ડો.ભાવીન કોઠારી, ડો.જી.સી.ભીમાણી ડો.મેહુલભાઈ રૂપાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતાં. પરીક્ષામાં વધુ
8 કોપી કેસ સૌરાષ્ટ્ર યુનિ. સંલગ્ન વિવિધ કોલેજોની પ્રથમ તબકકાની ચાલી રહેલી પરીક્ષામાં ગઈકાલે વધુ 8 કોપી કેસ થયા હતાં જેમાં જામખંભાળીયામાં 5 અને અમરેલીમાં 3 કોપી કેસ
થયા હતાં.