સંતકબીર રોડ પર 8પ છાપરા-ઓટલા ઉપર મનપાનો હથોડો વિંઝાયો

વોર્ડ નં.4 માં મનપાના પ્લોટ ઉપર થયેલ મકાન તોડી પડાયું
વન વીક વન રોડ અંતર્ગત કોર્પોરેશનના સાત વિભાગનું સંયુકત ઓપરેશન રાજકોટ તા.14
રાજકોટ મહાનગરપાલીકા દ્વારા વન વીક વન રોડ ઝુંબેશ અંતર્ગત આજરોજ ઇસ્ટ ઝોન વિસ્તારના વોર્ડ નં.પ, 6 માં સંતકબીર રોડ પર પાર્કીંગ તથા માર્જીનમાં થયેલ દબાણો અને ગેરકાયદેસર બાંધકામો દુર કરવામાં આવેલ જેમાં છાપરા અને ઓટા સહિતના અધધધ 8પ દબાણો દુર કરી ઝીરો લેવલીંગ કરવામાં આવ્યું હતું.
મનપાના ટાઉન પ્લાનીંગ ઓફીસર એમ.ડી.સાગઠીયાના જણાવ્યા મુજબ આજે ઇસ્ટ ઝોનમાં વન વીક વન રોડ અંતર્ગત દબાણો દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ જેમાં કબીર કોમ્પ., બાલાજી દાળ પકવાન, બાલાજી ટેલિવિઝન, ડીલકસ પાન, બ્રહ્માણી ઓટો, રાજ ઓટો સર્વિસ, ચાંદની પાન, પાટીદાર સીલેકશન, આનંદ સાયકલ સ્ટોર, જેકે ઇમીટેશન, ફેશન હેર સલુન, ખોડીયાર પ્રોવિઝન સહિતના 8પ છાપરાના દબાણો તેમજ દુકાનની આગળ ફુટપાથ ઉપર કરવામાં આવેલ ઓટલાના દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. સંતકબીર રોડ પર ત્રણ દુકાનના પાર્કીંગમાં થયેલ હોર્ડીંગ્સ જપ્ત કરવામાં આવ્યા હતા. તેવી જ રીતે શ્રી ચાઇનીઝ એન્ડ પંજાબી રેસ્ટોરન્ટનું હોર્ડીંગ બોર્ડનું દબાણ અને અમીધારા મેડીકલ સ્ટોર દ્વારા રોડ સુધી કરવામાં આવેલ છાપરાનું દબાણ દુર કરવામાં આવ્યું હતું. રાજ શરાફી મંડળી દ્વારા કરવામાં આવેલ પતરાની કેબીન જેવું છાપરું તોડી પાડવામાં આવ્યું હતું.
વોર્ડ નં.4 માં એ.પી. વિભાગ દ્વારા ટીપી સ્કીમ નં.18 એફ.પી.ર9 પબ્લીક પર્પઝના પ્લોટમાં કરવામાં આવેલ પ્લીન્થ તથા મકાનનું બાંધકામ દુર કરવામાં આવ્યું હતું. કોર્પો.ના પ્લોટ પર થયેલ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડી પ0 ચો.મી. ક્ષેત્રફળની જમીન કિ. રૂા.ર0 લાખ ખુલ્લી કરવામાં આવી હતી. સંતકબીર રોડ પર આજે દબાણો દુર કરવાની સાથોસાથ પ્રતિબંધિત પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
વન ડે વન વીક અંતર્ગત સંતકબીર રોડ પર 16 છાપરાઓ તોડી પાડવામાં આવ્યા હતા જેમાં જય દ્વારકાધીશ ટી સ્ટોલ, રામ બાલાજી સ્ટોર, બાલાજી જનરલ સ્ટોર, રાજ ચામુંડા મોબાઇલ, આકાશ વોશીંગ પાઉડરનું યુનિટ, ચામુંડા ટેઇલર, જ્યોતિ વેલ્ડીંગ, ખોડીયાર રસ ડીપો, જનતા તાવડો અને હની સાયકલ સ્ટોર સહિતના દબાણો દુર કરવામાં આવ્યા હતા. જ્યારે મુરલીધર વિદ્યાલય અને માનવસેવા સર્વિસ દ્વારા રસ્તા પર થયેલ દિવાલનું દબાણ તોડી પાડવામાં આવ્યું હતું. મહાનગરપાલીકાની સાત શાખા દ્વારા આજે ઇસ્ટ ઝોનમાં સંયુકત કામગીરી હાથ ધરવામાં આવેલ જેમાં ટાઉન પ્લાનીંગ ઓફીસર એમ.ડી.સાગઠીયા, સીટી ઇજનેર કે.એસ.ગોહિલ, વીજીલન્સ ઓફીસર આર.પી.ઝાલા તથા આસી. ટાઉન પ્લાનર આર.ડી.પ્રજાપતિ તેમજ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી તથા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના ઇજનેર પ્રજેશ સોલંકી તથા દબાણ હટાવ શાખા, બાંધકામ શાખા, રોશની શાખા અને કાયદો વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજીલન્સ શાખા સહિતના સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી હતી. તસવીર: દિવ્યરાજસિંહ સરવૈયા