રાજકોટમાંથી રૂા.6.20 લાખની જીએસટીની ચોરી ઝડપાઈ


રાજકોટ તા,14
રાજકોટ એસજીએસટી કચેરી દ્વારા ગઈકાલે કરવામાં આવેલી તપાસમાં રાજકોટમાંથી રૂા.6.20 લાખની અને મોરબીમાંથી 5.91 લાખની ટેકસ ચોરી ઝડપાઈ હતી. તેમજ આજરોજ ગાંધીધામમાં ત્રણ, મોરબીમાં બે અને ઉપલેટા, કેશોદમાં એક-એક તપાસ ધરવામાં આવી છે.
રાજકોટ બહુમાળી ભવન ખાતે આવેલ એસજીએસટી કચેરીના ડિવિઝન-10ના સંયુકત કમિશનર સંજય સકસેનાની સુચનાથી આજરોજ મોરબીના સીરામીક અને સેનેટરી યુનિટના એકમમાં તેમજ ઉપલેટામાં હેન્ડલુમના વેપારીને ત્યાં દરોડા પાડ્યામાં આવ્યા હતા. તેમજ ડિવિઝન - 11ના સંયુકત કમિશનર સી.આર.લાડુમોરની સુચનાથી ગાંધીધામમાં વિવિધ ઉદ્યોગ સાથે સંકળાયેલા ત્રણ વેપારીને ત્યાં અને કેશોદમાં એક વેપારીને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે.
વધુમાં જાણવા મળતી વિગત મુજબ ડિવિઝન-10 દ્વારા ગઈકાલે રાજકોટમાં ત્રણ અને મોરબીમાં એક સ્થળે તપાસ કરવામાં આવી હતી. જેમાં રાજકોટમાં એક વેપારીને ત્યાંથી નીલ રિપોર્ટ આવ્યો હતો અને આર્યન એન્ડ સ્ટીલ યુનિટમાંથી રૂા.1.12 લાખ, વર્ક કોન્ટ્રાકટરને ત્યાંથી રૂા.5.08 લાખ તેમજ મોરબીના સેનેટરી યુનિટમાંથી રૂા.5.91 લાખની વેટ ચોરી ઝડપી પાડી હતી. આજરોજ પાડવામાં આવેલા દરોડામાં તપાસ અધિકારીઓ દ્વારા હિસાબી સાહિત્યમાં અનિયમિતતા તપાસ હાથ ધરવામાં આવી છે. વેરા પ્રલાણી બદલાતા હવે ચોરીની પધ્ધતિ પણ બદલાઈ હોય તેવો ઘાટ સર્જાયો છે. અઘ્કિારીઓ નાના વેપારીઓ ઉપર તવાઈ બોલાવી રહ્યા છે તેમ મોટી-મોટી માછલીઓ ઉપર પણ તપાસ કરવામાં આવે તે જરૂરી છે. માર્ચ એન્ડિંગ નજીક આવતા માડે મોડે જાગેલા તંત્રએ છેલ્લા 15 દિવસમાં તપાસની કામગીરી વેગવાન બનાવી છે અને 15 દિવસમાં લાખો રૂપિયાની વેટ ચોરી ઝડપી પાડી છે તો કેટલીક તપાસમાં ખાલી હાથી પાછા ફરવું પડી રહ્યું છે. તપાસ કડક કરતા વેટ ચોરોમાં ફફડાટ ફેલાયો છે. તેમજ આગામી દિવસોમાં પણ તપાસનો દોર શરૂ રહેવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનિય છે કે જીએસટીના અમલબાદ જીએસટી તંત્ર દ્વારા વેપારીઓને રાહત આપવામાં આવી હતી અને તપાસ સ્થગિત કરવામાં આવી હતી. તેમજ જીએસટીના વેરાદર સમા વેપારીઓને શાંત પાડવા માટે જીએસટી તંત્ર દ્વારા જીએસટીના દરમાં ઘટાડો કરવામાં આવ્યો હતો અને વેપારીઓને રાહત આપી હોવાના બંગણા ફૂકયા હોવાનું જાણવા મળી રહ્યું છે.