દેશના ટોપ-10 સ્વચ્છ શહેરમાં રાજકોટનો સમાવેશ સંભવ

ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનની કામગીરીથી પ્રભાવિત થયાનો સંકેત
નાકરાવાડી ખાતે પ્રોસેસિંગ યુનિટ શરૂ નહીં થતા ટીમ વધુ એક વખત નારાજ
રાજકોટ તા.14
સ્વચ્છ ભારત મિશન અંતર્ગત રાજકોટ મહાનગરપાલીકાની સ્વચ્છતા અભિયાન હાથ ધરી જનજાગૃતિ તેમજ રાત્રી સફાઈ અને વન ડે વન વોર્ડ સફાઈ ઝુંબેશ હાથ ધરી છે. ભારતના પ્રથમ દશ શહેરોમાં સ્થાન મેળવવા માટે મનપાએ કમર કસી છે ત્યારે સ્વચ્છતાનું રેન્કિંગ આપવા દિલ્હી ખાતેથી સર્વેયરની ટીમ રાજકોટ આવી છે અને શહેરના વિસ્તારોના સર્વેની કામગીરી શરૂ કરાઈ છે.
સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગત માસે કેન્દ્ર ખાતેથી સર્વેની ટીમ રાજકોટ આવી હતી. રાજકોટના સ્લમ વિસ્તારો તેમજ શહેરના ગીચ વિસ્તારોમાં રૂબરૂ જઈને સ્વચ્છતાનું નિરીક્ષણ કર્યા બાદ કામગીરીને બિરદાવી હતી. ત્યાર બાદ ફરી વખત કેન્દ્ર સરકારની ટીમ રાજકોટ આવી છે. સોલીડ વેસ્ટ મેનેજમેન્ટના જણાવ્યા મુજબ જે શહેરનાં સંતોષકારક સ્વચ્છતાની કામગીરી થઈ હોય તે શહેરમાં ફરી વખત ટીમ દ્વારા સર્વે કરવામાં આવતો હોય છે અને તેના માટે રાજકોટમાં સર્વે માટે ટીમ પધારી છે.
શહેરના 18 વોર્ડમાં સર્વેની કામગીરી માટે વોર્ડ દીઠ આઠ બૂથ નકકી કરવામાં આવ્યા છે. બૂથ એટલે કે ન્યૂસન્સ પોઈન્ટને પ્રથમ અગ્રતા અપાઈ છે. આવા દરેક પોઈન્ટનું નિરીક્ષણ કર્યા બાદ સર્વેયર દ્વારા રેન્કિંગ આપવામાં આવશે. આ રેન્કિંગના આધારે શહેરનો ક્રમાંક નકકી કરવામાં આવશે. ગત માસે ટીમ દ્વારા ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન તેમજ કચરાનું વર્ગીકરણ સહિતની કામગીરીના વખાણ કર્યા હતાં. મનપા દ્વારા જાહેર શૌચ મુકત રાજકોટ ઝુંબેશ હાથ ધરાઈ છે તેનાથી પણ ટીમ પ્રભાવીત થઈ હતી. પરંતુ શહેરમાંથી એકઠા થતા કચરાનો યોગ્ય નિકાલ થતો ન હોવાનું પણ જણાવ્યુ હતું. સર્વેયર ટીમના જણાવ્યા મુજબ નાકરાવાડી ખાતે કચરાનો યોગ્ય નિકાલ થતો નથી તે બાબતે નારાજગી વ્યકત કરી હતી. રાજકોટ ખાતે સ્વચ્છ સર્વેક્ષણ માટે આવેલી ટીમ દ્વારા આજથી સર્વેની કામગીરી શરૂ કરાઈ છે અને દરેક જગ્યાએ સંતોષકારક કામ થતુ હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જણાવ્યુ છે ત્યારે સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ ટીમ દ્વારા રેકીંગ આપવામાં આવશે તે મુજબ રાજકોટ શહેર પ્રથમ દશ શહેરની યાદીમાં આવી જવાની સંભાવના વ્યકત કરાઈ છે. કચરાનો યોગ્ય નિકાલ નથી થતો: ટીમની નારાજગી
સ્વચ્છ સર્વેક્ષણ માટે કેન્દ્રમાંથી આવેલ ટીમ દ્વારા શહેરની સ્વચ્છતા તેમજ ડોર ટુ ડોર કાર્બેજ કલેકશન કચરાનું વર્ગીકરણ સહિતની કામગીરીથી પ્રભાવીત થયા છે, પરંતુ શહેરમાંથી એકઠો થતો તમામ કચરો નાકરાવાડી ગાર્બેજ સ્ટેશન ખાતે ઠલવવામાં આવે છે જયાં તેનું પ્રોસેસીંગ થતુ ન હોવાથી આ બાબતે ટીમ દ્વારા નારાજગી વ્યકત કરવામાં આવી હતી.