રાજકોટ ડિવિઝનના 64 રેલવે સ્ટેશન પર LED લાઈટના ઝળઝળા


રાજકોટ તા.14
રાજકોટ રેલવે ડિવીઝનના 64 રેલવે સ્ટેશન ઉપર એલઈડી લાઈટ લગાવવામાં આવી છે. રાજકોટ રેલવે ડિવીઝને ઉર્જા બચત માટે એક મહત્વનું પગલુ લઈ રેલવે ડિવીઝનના 64 સ્ટેશનો સો ટકા એલઈડીથી સજજ કરી મહિને રૂા.2,45,000 ની બચત કરશે. આ અંગે ડીવીઝનલ રેલવે મેનેજર પી.બી.નિનાવેએ જણાવ્યું કે રાજકોટ ડીવીઝન હેઠળના 64 રેલવે સ્ટેશન સો ટકા એલઈડી લાઈટથી સજજ કરાયા છે. અંદાજે 8650 એલઈડી લાઈટ ફિટ કરાઈ છે. જેનાથી દર મહિને અંદાજે 36,500 કિલોવોટ (યુનિટ)ની બચત થશે. આ લાઈટથી મહીને રૂા.2,45,000ની બચત થશે. આ પગલાથી માત્ર વીજ અને વિજળીની બચત જ નહી પરંતુ પર્યાવરણની જાળવણી થઈ શકશે. કામગીરીને સફળ બનાવવા ડીઆરએમ પી.બી. નિનાવેના માર્ગદર્શન હેઠળ સિનીયર ઈલેકટ્રીકલ એન્જીનીયર કે.એસ. ચૌહાણ-ટીમે જહેમત ઉઠાવી હતી.