ઉનાળો આવતાં જ ઠંડાપીણાની દુકાનો અને શેરડીના ચીચોડાવાળાને તડાકો

સૌરાષ્ટ્ર-કચ્છમાં માર્ચ મહિનો શરુ થતાની સાથે જ સૂર્યનારાયણ પણ પોતાનો રંગ દેખાડવાનો શરુ કર્યુ છે. ફેબ્રુઆરીના અંતિમ ભાગથી મહત્તમ તાપમાનનો પારો 35 ડિગ્રી ઉપર નોંધાવા લાગ્યો હતો. જેને પગલે શિયાળાની વિદાય સમયે જ લોકો આકરા તાપ અને બફારાથી પરેશાન જોવા મળતા હતા અને બફારો અને ગરમી સહી ન શકતા લોકો ઠંડાપીણા અને શેરડીના રસનો સહારો લેવા માંડ્યા હતા.  હવે તો વિધિવત ઉનાળાનું આગમન થઇ ગયું છે અને મોટાભાગના સ્થળોએ 35 થી 40 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન પણ નોંધાવા લાગ્યું છે. ઘર અને બહાર ગરમી અને બફારાથી લોકો પરેશાન જોવા મળી રહ્યા છે અને ઠંડક મેળવવા માટે ઠંડાપીણા, આઈસક્રીમ, જ્યૂસ અને શેરડીનો રસ જેવી વિવિધ વસ્તુઓનો સહારો લેવા માંડ્યા છે. રાજકોટમાં અનેક સ્થળે ઠંડા ફ્રૂટની ડીસોના સ્ટોલ પણ ધમધમતા શરુ થઇ ગયા છે. ખાસ કરીને બપોરના અને રાત્રીના સમયે આવી ઠંડી વસ્તુઓ વેચતા દુકાનદારો અને નાના મોટા ધંધાર્થીઓને ત્યાં ખૂબ જ ધરાકી જામતી હોય તડાકો બોલી ગયો છે.(તસવીર: પ્રવીણ સેદાણી)