સંતકબીર રોડ પરથી ફુડ લાયસન્સ વગર ધંધો કરતા 22 વેપારીઓ ઝડપાયા

પરવાના વગર દવાનું વેચાણ કરતા મેઘા મેડીકલ સ્ટોરને નોટીસ ફટકારાઇ
રાજકોટ તા.14
વન ડે વન વીક રોડ અંતર્ગત મહાનગરપાલીકાના આરોગ્ય વિભાગ અને ફુડ વિભાગ દ્વારા આજરોજ પાન શોપ, ફુડ પાર્લર તેમજ મેડીકલ સ્ટોર સહિતના ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ કામગીરી હાથ ધરી સડેલા અને પડતર અખાદ્ય ચીજોનો નાશ કરી ફુડ લાયસન્સ વગર ધંધો કરતા રર આસામીઓને નોટીસ ફટકારી હતી.
ફુડ વિભાગ દ્વારા આજરોજ સંતકબીર રોડ પર સપના પાન, શકિત ટી સ્ટોલ, શિવ પેલેસ, શિવમ દાળ પકવાન, ચારભુજા નમકીન, બાલાજી દાળ પકવાન, ગાયત્રી ફરસાણ, ખોડીયાર કોલ્ડ્રીંકસ, રવેચી રેસ્ટોરન્ટ, શુભમ મેડીકલ, બાલાજી મીલ, રાજેન વેફર, ગોકુલ પાન, વિજય પાન, ભગવતી ડેરી ફાર્મ, શ્યામ ડેરી ફાર્મ, માટેલ સેલ્સ એજન્સી સહિતના 4ર ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ કામગીરી હાથ ધરી હતી. જેમાં રર વેપારીઓ પાસે ફુડ લાયસન્સ ન હોવાથી તમામને પ્રથમ નોટીસ ફટકારવામાં આવી હતી અને દિવસ 7 માં લાયસન્સ મેળવી લેવાની તાકીદ કરવામાં આવી હતી.
ફુડ વિભાગ દ્વારા આજે ફુડ પાર્લર, જ્યુશ પાર્લર, બેકરી શોપ, ટી સ્ટોલ, ડેરી ફાર્મ, સંગ્રહ અને ઉત્પાદન કરતા વેપારીઓને ત્યાં ફુડ લાયસન્સ તેમજ રજીસ્ટ્રેશન અને રો મટીરીયલની ગુણવતા સહિતની કામગીરી કરવામાં આવેલ. જેમાં કાપેલા વાસી ફ્રુટ તેમજ દાઝયુ તેલ અને રદી પસ્તી સહિતનો જથ્થો ઝડપી સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો.