મહિલા કોલેજ અંડરબ્રિજ નીચે એકલતાનો લાભ લઇ પરપ્રાંતીય લોકોને છરી મારી લૂંટ ચલાવતી ત્રિપુટી ઝડપાઇ

અર્ધો ડઝન ગુનાઓની આપી કબૂલાત: બે આરોપી સગીર હતા ત્યારે વાહનચોરીમાં પકડાઈ ચુક્યા છે
રાજકોટ તા.14
રાજકોટ શહેરમાં રાજમાર્ગો ઉપર લૂંટની ઘટનાઓને અંજામ આપતી ટોળકીને પકડી અનડિટેક્ટ ગુન્હાઓના ભેદ ઉકેલવા મળેલી સૂચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમી આધારે મહિલા કોલેજ અંડરબ્રિજ નીચે પરપ્રાંતીય શખ્શોને રોકી છરીની અણીએ લૂંટ ચલાવતી ત્રિપુટીને ઝડપી લઇ છ ગુન્હાઓના ભેદ ઉકેલી નાખ્યા છે પકડાયેલ ત્રિપુટી પૈકી બે આરોપીઓ
સગીર હતા ત્યારે વાહનચોરીના ગુન્હામાં પકડાઈ ચુક્યા હોવાનું જાણવા મળ્યું છે.
રાજકોટ શહેરમાં નોંધાયેલા વિવિધ ગુન્હાઓના ભેદ ઉકેલવા પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત, જેસીપી દિપક ભટ્ટ, ડીસીપી કરણરાજ વાઘેલા, બલરામ મીણા, એસીપી ક્રાઇમ જયદીપસિંહ સરવૈયાની સૂચનાથી ડીસીબી પીઆઇ એચ એમ ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર સી કાનમિયા, જગમાલભાઇ ખટાણા, જયસુખભાઇ હુંબલ, સંતોષભાઈ મોરી, મયુરભાઈ પટેલ, કૃપાલસિંહ ઝાલા, કુલદીપસિંહ જાડેજા, સંજયભાઈ રૂપાપરા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન જગમાલભાઇ, કૃપાલસિંહ અને મયૂરભાઈને ખાનગીરાહે હકીકત મળી હતી કે મહિલા કોલેજ અંડરબ્રિજ નીચે લોકોને છરી મારી લૂંટ ચલાવતી ત્રિપુટી રૈયા રોડ ઉપર ફાટક નજીક ઉભી છે આ બાતમી આધારે દોડી જઈ વૈશાલીનગરમાં રહેતા હિતેશ લાલજીભાઈ મારું, વિવેક સંજયભાઈ ગોરી અને પરસાણાનગરના આકાશ ધનજીભાઈ વાઘેલાને દબોચી લઇ પોલીસ સ્ટેશને લઇ જઈ આગવી ઢબે પૂછતાછ કરતા ત્રણેય ભાંગી પડ્યા હતા અને અર્ધો ડઝન ગુન્હાઓની કબૂલાત આપી હતી.
ત્રણેય આરોપીઓ કાલાવડ રોડ ઉપર અંડરબ્રિજ પાસે વોચ ગોઠવીને બેસતા અને જયારે કોઈ પરપ્રાંતીય જેવા દેખાતા એકલ દોકલ શખ્શો નીકળે ત્યારે તેને છરી દેખાડી અને મારી રોકડ, મોબાઈલ લૂંટી લેતા હતા આ મોડ્સ ઓપરેન્ડીથી ત્રણેય આરોપીઓએ છ મહિના પહેલા બે ભૈયાને છરી બતાવી તથા એકને છરી મારી ઇજા કરી બે મોબાઈલ અને રોકડા 1000 લૂંટી લીધા હતા આ ઉપરાંત છ મહિના પહેલા બ્રિજ નીચે જ પરપ્રાંતીય શખ્શને છરી બતાવી મોબાઈલ અને રોકડા રૂપિયા 50 ની, સાત મહિના પહેલા ભૈયાને છરી બતાવી એક મોબાઈલ તથા રોકડા રૂપિયા 100 ની, છ મહિના પહેલા ભૈયા પાસેથી એક મોબાઈલ તથા રોકડા રૂપિયા 150, નવ મહિના પહેલા ભૈયા પાસેથી એક મોબાઈલ અને દસ મહિના પહેલા સાયકલ લઈને જતા ભૈયાને છરી દેખાડી સાયકલ લૂંટી લીધી હોવાની કબૂલાત આપી હતી આમ અર્ધો ડઝન લૂંટના ગુન્હાઓની કબૂલાત આપી હતી આ અગાઉ હિતેશ અને વિવેક સગીર હતા ત્યારે વાહનચોરીના ગુન્હાઓમાં પોલીસ ચોપડે ચડી ચુક્યા હોવાનું જાણવા મળ્યું છે.