ખીરસરાની સરકારી જમીનમાં 100થી વધુ મકાન તોડી પડાયા

GIDCને ફાળવેલ જમીનમાં એકતાનગર નામની સોસાયટી ઉભી થઇ ગઇ: પાંચ એકર જમીનમાં ખડકાયેલ મકાન ઉપર બુલડોઝર ફેરવી દેવાયું: કરોડોની જમીન ખુલ્લી કરાવતા ગ્રામ્ય પ્રાંત અધિકારી
રાજકોટ તા.14
રાજકોટ કલેકટર દ્વારા જીઆઇડીસીને ફાળવવામાં આવેલી સરકારી ખરાબાની પાંચ એકર જમીનમાં ગેરકાયદેસર આખી સોસાયટી ઉભી થઇ જતા આજે રાજકોટ ગ્રામ્ય પ્રાંત અધિકારી પ્રભાવ જોશીની આગેવાનીમાં ઓપરેશન-ડીમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 100 થી વધુ કાચા-પાકા મકાનો તોડી પાડી કરોડો રૂપિયાની કીંમતી જમીન ખુલ્લી કરવામાં આવી છે. ગ્રામ્ય પ્રાંત અધિકારી પ્રભાવ જોશીના જણાવ્યા મુજબ કલેકટર દ્વારા ખીરસરા સર્વે નં.41ર પૈકી 76 ની પાંચ એકર જગ્યા જીઆઇડીસી માટે ફાળવવામાં આવી હતી પરંતુ આ જગ્યામાં એકતાનગર નામની સોસાયટી ઉભી થઇ ગઇ હતી. દબાણકર્તાઓને જમીન ખાલી કરવાની નોટીસો ફટકારવામાં આવી હતી. આમ છતા જમીન ખાલી નહીં કરતા આજે સવારથી ઓપરેશન-ડીમોલીશન હાથ ધરવામાં આવ્યું છે. સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે ચણી લેવામાં આવેલા કાચા-પાકા 100 જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા છે. મેટોડો જીઆઇડીસી પાછળ આવેલા ખીરસરા સર્વે નં.41ર ની ર0000 ચો.મી. જમીનમાં એકતાનગર નામે વસાહત ઉભી થઇ ગઇ હતી. એક દાયકાથી આ જમીનમાં ગેરકાયદેસર રીતે લોકોએ પેશકદમી કરી લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. સરકારી ખરાબાની જમીનમાં વીજ કનેકશન સહિતની સુવિધાઓ પણ મેળવી લેવામાં આવી હતી. આજે સવારથી ઓપરેશન-ડીમોલીશન હાથ ધરવામાં આવ્યું છે. અંદાજે પ એકર જમીનમાં 1રપ થી વધુ પરીવારોએ ગેરકાયદેસર રીતે જમીનમાં દબાણ કરી દીધું હતું. તમામ આસામીઓને લોધિકા મામલતદાર વી.ડી. મકવાણા, સર્કલ ઓફીસર નીખીલ રીંડાણી દ્વારા નોટીસ ફટકારી જમીન ખાલી કરવા તાકીદ કરવામાં આવી હતી પરંતુ દબાણ કરનાર આસામીઓએ જમીન ખાલી નહીં કરતા આજ સવારથી જ ડીમોલીશન હાથ ધરવામાં આવ્યું છે. બપોર સુધીમાં 100 થી વધુ કાચા-પાકા મકાન તોડી પાડવામાં આવ્યા છે. ડીમોલીશન કરવામાં આવતા આસામીઓના મકાનો અને ઘરવખરીઓ રોડ ઉપર વેરણછેરણ હાલતમાં જોવા મળી હતી.
બેઘર બનેલા આસામીઓએ વૈકલ્પીક જગ્યા ફાળવવાની માગણી અધિકારીઓ સમક્ષ કરી હતી પરંતુ હાલ તુરત જમીન જીઆઇડીસીને ફાળવેલ હોય ડીમોલીશન કરી જમીનનો કબ્જો જીઆઇડીસીને સોપવા તજવીજ હાથ ધરવામાં
આવી છે. ખીરસરાની સરકારી જમીનમાં ગેરકાયદેસર બની ગયેલ વસાહત ઉપર આજે મામલતદાર અને સર્કલ ઓફીસર નીખીલ રીંડાણીએ ઓપરેશન-ડીમોલીશન હાથ ધરી 100 થી વધુ મકાનો તોડી પાડયા હતા.(તસ્વીર: બી.એમ. ગોસાઇ)