જસદણના આલણ સાગર તળાવનું પાણી પીવા માટે અનામત રહેશે


આટકોટ, તા. 14
જસદણ શહેરમાં આગામી ઉનાળામાં નાગરીકો પાણી અંગે કોઈ તકલીફ ન પડે અને કોઈ હાલાકી વેઠવી ન પડે તે માટે તાજેતરમાં ચુંટાઈને આવેલ પ્રમુખ દિપુભાઈ ગીડાએ એક આગવી સુઝ દાખવી પારીની તંગીને ખાળવા કમર કસી છે. સૌરાષ્ટ્રમાં કેટલાક સ્થળોએ પાણીની ભારે બુમરાણ મચી છે ત્યારે જસદણમાં કુદરતની મ્હેરને કારરે આ વર્ષે પાણીની તંગી નહી પડે ! ગત વર્ષે જસદણમાં સારા વરસાદને કારણે પીવા માટે પાણી પુરૂ પાડતુ આલણસાગર તળાવ ઓવરફલો થઈ ગયુ હતું. આ તળાવ ઈ.સ.1900 ની સાલમાં પ્રજાવત્સલ રાજવી આલાખારાર બાપુએ પ્રજાની સુખાકારી માટે બંધાવેલ હતું. જેમાંથી અનેક ગામોને રવીપાક માટે પણ પાણી મળી રહ્યું છે. અને હાલમાં પીવાના પાણીની જરૂરીયાતને કારણે હાલ 21 ફૂટ પાણી અનામત રાખવા જિલ્લા કલેકટર ડો.વિક્રમ પાંડેએ હુકમ કર્યો છે. પણ શહેરથી ચાર કીમી દૂરથી જે પાણીની પાઈપ લાઈન હતી જયાંથી શહેરમાં પહોંચતા વાર લાગતી પણ ત્યાં દસ વર્ષ પહેલા એક જુની પાઈપ લાઈન હતી તે પ્રમુખની સુઝબુઝને કારણે ચાલુ થશે આ અંગે પ્રમુખ દીપુભાઈ ગીડાએ તળાવની મુલાકાત લઈ કામ શરૂ કરાવ્યું છે. જસદણના આલણસાગર તળાવનું પાણી પીવા માટે અનામત રાખ્યા બાદ તંત્રએ તળાવની મુલાકાત લીધી.   (તસ્વીર: કરશન બામટા-રાજકોટ)