401 રાંધણગેસના બાટલાનો જથ્થો સીઝ

બાટલાઓની વધુ કિંમત લેવાતી હતી : બારોબાર વેચાણ થતું હોવા સહિતની ક્ષતિઓ બહાર આવી
જામખંભાળીયા તા.14
ખંભાળીયા શહેર નજીક ગેસ એજન્સી ધરાવતા એક આસામીને ત્યાં જીલ્લા પુરવઠા વિભાગે મંગળવારે દરોડાનો દોર હાથ ધરી વિવિધ પ્રકારની ગેરરીતિઓ તથા ગંભીર બેદરકારી સબબ રૂા.ર.86 લાખના 401 ગેસ સિલિન્ડર સીઝ કર્યા છે.
ખંભાળીયા ઉપરાંત સમગ્ર દેવભૂમિ દ્વારકા જીલ્લામાં સૌપ્રથમ બની રહેલા જીલ્લા પુરવઠા વિભાગના આ સઘન ચેકીંગમાં ખંભાળીયા નજીક ધરમપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં લાલપુર રોડ પર ભારત ગેસની એજન્સી ધરાવતા કે.કે. ભારત ગેસ ગ્રામીણ વિતરણ નામની એક પેઢી પર ગઇકાલે મંગળવારે અહીંના જીલ્લા પુરવઠા અધિકારી એ.એસ.માંડોત તથા નાયબ મામલતદાર ડી.વી.આંબલીયા તથા સ્ટાફે સઘન ચેકીંગ કાર્યવાહી કરી હતી.
પુરવઠા વિભાગની આ કામગીરીમાં ગેસ એજન્સી મેળવ્યાના દોઢ-બે વર્ષના સમયગાળામાં આ સ્થળે અધિકારીઓ દ્વારા કોઇ નોંધપાત્ર ચેકીંગ ન કરાતાં વ્યાપક ગોબાચારી પ્રકાશમાં આવી હતી.
આ એજન્સી દ્વારા ફરજીયાતપણે નિભાવવું પડતું રજીસ્ટર તા.9 માર્ચથી તા.13 માર્ચ સુધી જરૂરી એન્ટ્રી વગેરેનું માલુમ પડયું હતું. આ ઉપરાંત નિયમ મુજબ પ્રત્યેક ગેસ સીલીન્ડરના રૂા.669/પ0 ના બદલે રૂા.ર0/પ0 વધુ લઇ ગ્રાહક પાસેથી રૂા.690 વસુલવામાં આવતા હતા.
આટલું જ નહીં, આ એજન્સી દ્વારા ગંભીર બેદરકારી દાખવી, ગેસના સિલિન્ડરોને રજીસ્ટર્ડ ગોડાઉનમાંથી સપ્લાય કરવાના બદલે છકડા રીક્ષા મારફતે એક લોખંડના વાડામાં લાવીને મંજુરી વગર સીલીન્ડરની લે-વેંચ કરાતી હતી. આ સ્થળે લાવવામાં આવેલા ર0 ગેસ સિલિન્ડરના બદલે 13 હોવાથી સાત સિલિન્ડર અધરાઅધર હોવાનું અધિકારીઓને માલુમ પડયું હતું.
આમ ગેસ એજન્સીના માલિક મહેન્દ્ર પ્રેમજીભાઇ કણઝારીયાની રૂબરૂમાં પુરવઠા વિભાગે ઉપરોકત સમગ્ર કાર્યવાહી કરી હતી.
આ નોંધપાત્ર ગોટાળાઓ ધ્યાને આવતાં ચેકીંગ સ્થળે જીલ્લા કલેકટર જે.આર.ડોડીયા પણ દોડી આવ્યા હતા અને બીલબુક, રજીસ્ટર, ચોપડાઓ કબ્જે કરી રૂા.ર,8પ,8પ3 ની કિંમતનો 401 બોટલનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો.
ભાણવડમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો : આરોપી ફરાર
ભાણવડ તાબેના ધામણીનેશ વિસ્તારમાં બરડા ડુંગર પંથકમાં સ્થાનિક પોલીસે દરોડો પાડી, ભાદાભાઇ રાજાભાઇ મોરી નામના રબારી શખ્સે છુપાવીને રાખેલી રૂા.અઠયાવીસ હજારની કિંમતની સીતેર નંગ પરપ્રાંતિય દારૂની બોટલ પકડી પાડી હતી.
આ દરોડા દરમ્યાન આરોપી શખ્સ ફરાર થઇ જતા ભાણવડ પોલીસે પ્રોહી. એકટ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.