જૂનાગઢમાં કાપડના વેપારી ઉપર ચાર શખ્સોનો હુમલો


જૂનાગઢ તા.14
જૂનાગઢમાં કપડાની ખરીદી બાબતે સીંધી વેપારીબંધુઓ પર ચાર શખ્સોએ ધોકા વડે હુમલો કરી માર મારવાનો ધોળા દિવસે ભરબજારમાં બનાવ બનતા શહેરના વેપારીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો. ઇજાગ્રસ્ત બન્ને વેપારી બંધુઓને જૂનાગઢ દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને સીંધી સમાજ તથા વેપારી અગ્રણીઓ દવાખાને દોડી ગયા હતા.
ગઇકાલે જૂનાગઢ માંગનાથ રોડ ઉપર આવેલ એક રેડીમેઇડ કપડાની દુકાને 4 અજાણ્યા શખ્સો આવેલ અને કપડાની ખરીદી બાબતે ચારેય શખ્સોએ આતંક મચાવતા ધોકા વડે બન્ને વેપારી ભાઇઓને માર મારી નાસી છુટયા હતા. આ બનાવના પગલે વેપારીઓમાં ભય ફેલાયો હતો અને અમુક વેપારીઓ તો દુકાન બંધ કરી નાસી છુટયા હતા. જ્યારે સાંજના ખરીદીના સમયે ગ્રાહકોથી ઉભરાતા માંગનાથ રોડ ઉપર ગ્રાહકોમાં નાસીભાગ મચી હતી.
દરમ્યાન હુમલાનો ભોગ બનનાર કમલેશ ઘનશ્યામદાસ લખયાણી તથા તેના ભાઇ પરેશ ઘનશ્યામદાસ લખયાણીને સારવાર માટે હોસ્પીટલ ખસેડાયા હતા જ્યાં સીંધી સમાજ તથા વેપારી અગ્રણીઓ દોડી ગયા હતા. આ બનાવ અંગે પોલીસ ફરીયાદ નોંધાતા પોલીસે સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયેલા ચારેય આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. કાપડના વેપારી ઉપર ચાર શખ્સોએ હુમલો કર્યો હતો.
(તસ્વીર : મિલન જોશી - જૂનાગઢ)