ર3 માર્ચથી ગુજકેટની પરીક્ષાનું રજીસ્ટ્રેશન


રાજકોટ તા.14
રાજ્યમાં આવેલી ડિગ્રી એન્જિનિયરીંગ, ડિગ્રી ફાર્મસી અને ડિપ્લોમા ફાર્મસી કોલેજમાં પ્રવેશ માટે બોર્ડ દ્વારા 23 એપ્રિલના રોજ ગુજકેટની પરીક્ષા લેવામાં આવનાર છે. ગુજકેટની પરીક્ષાને લઈ 23 માર્ચથી ઓનલાઈન રજીસ્ટ્રેશનની કાર્યવાહી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 23 માર્ચના રોજ ગુજકેટની પરીક્ષા માટે માહિતી પુસ્તિકા અને પીન નંબર રાજ્યના 42 સેન્ટરો પરથી મળી શકશે. જોકે ત્યાર બાદ 6 એપ્રિલ સુધી વિદ્યાર્થીઓ પુસ્તિકા અને પીન નંબર લઈ શકશે પરંતુ તે માટે રાજ્યમાં માત્ર ચાર જ સેન્ટર રાખવામાં આવ્યા છે. પીન નંબર દ્વારા વિદ્યાર્થીઓ 7 એપ્રિલ સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે. રજીસ્ટ્રેશન વખતે વિદ્યાર્થીએ મોબાઈલ નંબર અને ઈ-મેઈલ આઈડી ફરજીયાત આપવાનો રહેશે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 23 એપ્રિલના રોજ ડિગ્રી એન્જિનિયરીંગ, ડિગ્રી ફાર્મસી અને ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે રાજ્યના 42 વિતરણ કેન્દ્રો પરથી 23 માર્ચના રોજ માહિતી પુસ્તિકા અને પીન નંબર મેળવી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ઉમેદવાર દીઠ રૂ. 300નો રાષ્ટ્રીયકૃત બેંકનો ડીડી આપી પુસ્તિકા અને પીન નંબર મેળવી શકાશે.
23 માર્ચના રોજ રાજ્યના 42 વિતરણ કેન્દ્રો પરથી પુસ્તિકા અને પીન મળશે. જ્યારે 23 માર્ચથી 6 એપ્રિલ દરમિયાન રાજ્યના ચાર સેન્ટર પરથી પુસ્તિકા અને પીનનું વિતરણ કરવામાં આવશે. જેમાં બોર્ડની ગાંધીનગર અને વડોદાર સ્થિત કચેરી ઉપરાંત સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલી ટી એન્ડ ટી. વી હાઈસ્કૂલ અને રાજકોટમાં આવેલી એસ.જી. ધોળકીયા હાઈસ્કૂલ ખાતેથી પીન અને પુસ્તિકા મળી રહેશે. સાયન્સની સ્કૂલો પોતાની શાળાના તમામ વિદ્યાર્થીઓની ફીનો સંયુક્ત ડીડી કઢાવીને પણ માહિતી પુસ્તિકા અને પીન નંબર મેળવી શકશે.