જામનગરમાં જૂની અદાવતને લીધે યુવાનને મારકૂટ - વાહનમાં તોડફોડ


જામનગર તા,14
જામનગરમાં પટેલ કોલોની શેરી નં.12માં રહેતા એક યુવાનને વાહન અથડાવવા અંગેની જુની અદાવતનો ખાર રાખીને મારકુટ કરવા અંગે તેમજ તેના કાકાના મોટરસાયકલમાં તોડફોડ કરી નુકશાની પહોંચાડવા અંગેની ફરિયાદ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવાઈ છે જેમાં બે શખ્સોના નામ અપાયા છે.
જામનગરમાં પટેલ કોલોની શેરી નં.12માં શિવમ બ્લોકના-7માં રહેતા અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા પ્રદ્યુમનસિંહ માલુભા જાડેજા નામના યુવાને પોતાના ભત્રીજા ઉપર જુની અદાવતના કારણે ખાર રાખી મારકુટ કરવા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે ઉપરાંત પોતાના ઘરની બહાર પાર્ક કરેલા બુલેટ મોટર સાઈકલમાં છરી વડે સીટ ફાડી નાખી ડિઝલની ટાંકીમાં તોડફોડ કરવા અંગે રાજદિપસિંહ ઉર્ફે મોગલી બલુભા જાડેજા તેમજ બીલ્લો નરેન્દ્રસિંહ જાડેજાની સામે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે ફરિયાદીના ભત્રીજા સાથે આજથી એકાદ મહિના પહેલા વાહન અથડાવવા બાબતે તકરાર થઈ હતી જે મનદુ:ખનો ખાર રાખીને આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયુ છે જે બન્ને આરોપીને પોલીસ શોધી રહી છે.
જામનગરમાં માતા-પુત્ર ઉપર પાડોશીનો હુમલો
જામનગરમાં અંધાશ્રમ ફાટક નજીક બુધ્ધ વિહાર મંદિરની બાજુમાં રહેતા પરપ્રાંતિય માતા-પુત્ર ઉપર પાડોશીએ હુમલો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે જ્યારે માતાને માથાના ભાગે ઈજા થઈ હોવાથી જીજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
જામનગરમાં અંધાશ્રમ ફાટક નજીક બુધ્ધ વિહાર મંદિરની બાજુમાં રહેતા શુભદ્રાબેન કાલુરામ કેવલ નામના પંચાવન વર્ષના મહારાષ્ટ્રીયન પ્રૌઢાએ પોતાના પુત્રને મારવા અંગે તેમજ પોતાના માથા ઉપર લોખંડના પાઈપ વડે પ્રહાર કરી ઈજા પહોંચાડવા અંગે પોતાના પાડોશમાં જ રહેતા મન્નાભાઈ દેવશીભાઈ ફફલ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે જ્યારે તેણીને સારવાર માટે જીજી હોસ્પિટલમાં લઈ જવાઈ છે ફરિયાદી શુભદ્રાબેનના પુત્ર સાથે આરોપી ઝઘડો કરી મારકુટ કરી રહ્યો હતો. જેથી સુભદ્રાબેન તેને છોડાવવા માટે વચ્ચે પડતા આ હુમલો કરાવયો હોવાનું પોલીસ સમક્ષ જાહેર થયુ છે. હુમલાખોર આરોપી ભાગી છુટ્યો હોવાથી પોલીસ તેને શોધી રહી છે.