જામનગર શહેર અને જિલ્લામાં ર7 સ્થળે દારૂ અંગે સામુહિક દરોડા


જામનગર તા.14
જામનગર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તાર ઉપરાંત જોડિયા-લાલપુર-કાલાવડ ધ્રોલ સહિત સમગ્ર જીલ્લામાં ગઇરાત્રે પોલીસ દ્વારા દારૂની પ્રવૃતિને ડામી દેવા માટે એકસાથે ર7 જેટલા સ્થળે દરોડા પાડવામાં આવ્યા છે અને દારૂનો જથ્થો કબ્જે કર્યો છે. કેટલાક શખ્સો દારૂ મુકીને પલાયત થયા છે જેને પોલીસ શોધી રહી છે. જ્યારે કેટલાક શખ્સો દારૂનો નશો કરેલી હાલતમાં પણ મળી આવ્યા છે.
જામનગર શહેર અને જીલ્લામાં દારૂની પ્રવૃતિને ડામી દેવા માટે જીલ્લા પોલીસ વડા પ્રદીપ સેજુલ દ્વારા સમગ્ર જીલ્લાના પોલીસ તંત્રને સુચના આપી સામુહિક દરોડાઓ પાડવાનો આદેશ કરાયો હતો. જે આદેશના પગલે જામનગર શહેર ઉપરાંત સિક્કા-મુંગણી સહિતના તાલુકા મથકો ઉપરાંત ધ્રોલ-કાલાવડ-જોડીયા સહિતના અન્ય તાલુકાઓમાં પણ ગઇરાત્રી દરમ્યાન પોલીસ દ્વારા દારૂ અંગેની ચેકીંગ ડ્રાઇવ રાખીને સામુહિક દરોડા પાડવામાં આવ્યા હતા.
ઉપરોકત દરોડા દરમ્યાન પોલીસ દ્વારા એકાદ ડઝન જેટલા સ્થળેથી ઇંગ્લીશ દારૂનો જથ્થો કબ્જે કરી આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જ્યારે દેશી દારૂ અંગે પણ કેટલાક સ્થળે દરોડા પાડી દેશી દારૂનો જથ્થો અને દારૂ બનાવવાની સામગ્રી તેમજ ભઠ્ઠીના સાધનો વગેરે કબ્જે કર્યા છે. જ્યારે દારૂના જથ્થાનો નાશ કર્યો છે. કેટલાક આરોપીઓ નાસી છુટયા હોવાથી પોલીસ દ્વારા તેઓને ફરારી જાહેર કરાયા છે. જ્યારે અડધો ડઝન જેટલા આરોપીઓ દારૂનો નશો કરેલી હાલતમાં પણ મળી આવ્યા હતા.
જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં રહેતા રામભાઇ સુમાતભાનઇ બંધીયા નામના આહિર શખ્સને 18 નંગ ઇંગ્લીશ દારૂની બાટલી સાથે ઝડપી લીધો છે. આ ઉપરાંત મયુર નરશી રાઠોડ, આશિષ ભરતભાઇ વાઘેલા, રાજુ જીવણભાઇ રાઠોડ, દર્શન ઉર્ફે ખેતો હરીશભાઇ ચાંદ્રા સહિત આરોપીઓના કબ્જામાંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો કબ્જે કરી લઇ તમામની ધરપકડ કરાઇ છે. પોલીસના આ સામુહિક દરોડાથી દારૂના ધંધાર્થીઓમાં ફફડાટ મચી ગયો છે.