ભાણવડમાં દુષ્કર્મનો ભોગ બનેલી તરૂણીને કર્યુ વીશપાન સગીરાના પિતા દ્વારા ગેંગરેપ થયાના આક્ષેપથી દોડધામ

ભાણવડ તા.14
ભાણવડમાં રહેતી 17 વર્ષની વયની એક સગીરાનું ગયા મહિનાની 16મી તારીખે અપહરણ થયા પછી તેણી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું ભાણવડ પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો હતો. જેના અનુસંધાને ભાણવડ પોલીસે એક સગીર શખ્સ તેમજ એક સોની શખ્સની મદદગારીમાં ધરપકડ કરી લીધી હતી. દરમિયાન આજે સગીરાએ ઝેરી દવા પી લઇ આત્મહત્યાનો પ્રયાસ કરતા તેણીને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પીટલમાં ખસેડાઇ છે અને સગીરાના પિતા દ્વારા પોતાની પુત્રી પર ગેંગરેપ થયાનો આક્ષેપ કરતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ છે.
આ ચકચારજનક બનાવની હકીકત એવી છે કે, ભાણવડમાં રહેતી 17 વર્ષની વયની એક સગીરાનું ગત 16મી ફેબ્રુઆરીએ અપહરણ થઇ ગયું હતું. પોલીસને સગીરા મળી આવી હતી જેની પુછપરછમાં તેણીનું ભાણવડમાં જ રહેતો એક સગીર વયનો તરૂણ પોતાની સાથે લઇ ગયો હતો અને તેમાં નસાળી જવા માટે ભાણવડના જ એક સોની યુવાને મદદગારી કરી હોવાનું જણાવ્યું હતું. જેથી ભાણવડ પોલીસ દ્વારા 18મી તારીખે ભાણવડમાં પોલીસ મથકમાં સગીરાની માતાની ફરીયાદના આધારે અપહરણ કરી જવા અંગે એક સગીર શખ્સ અને મદદગારી કરનાર સોની શખ્સ સામે ગુન્હો નોંધ્યો હતો.
ત્યારપછી સગીરાને તબીબી ચકાસણી માટે જાનગરની જીજી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જયાં તેણી સાથે એક વખત દુષ્કર્મ આચરાયું હોવાનું અભિપ્રાય આવ્યો હતો. જેથી પોલીસે સગીર આરોપી સામે પોકસો તેમજ બળાત્કારની કલમનો ઉમેરો કર્યો હતો અને બાળ આરોપી હોવાને કારણે તેને રાજકોટ રીમાન્ડ હોમમાં મોકલી અપાયા હતા. જયારે સોની શખ્સ પુખ્ત વયનો હોવાથી તેને મદદગારીના કેસમાં તથા પોકસની કલમ હેઠળ અટકાયત કરી અને ભાણવડની અદાલતમાં રજુ કરતા તેને જેલમાં ધકેલી દેવાયો છે જે હાલ જામનગરની જીલ્લા જેલમાં છે.
દરમીયાન ગઇકાલે મોડી રાત્રે અથવા આજે વહેલી સવારે સગીરાએ વીશપાન કરી લેતા તેણીને સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલમાં દાખલ કરાઈ છે અને તેણી બેશુધ્ધ અવસ્થામાં હોવાથી નિવેદન આપી શકે તેમ નથી. આવા સંજોગોમાં ભોગ બનનાર સગીરાના પિતા દ્વારા એવો આક્ષેપ કરાયો હતો કે પોતાની પુત્રી પર ગેંગરેપ થયો છે પરંતુ તેની પુત્રીની ગેંગરેપની ફરીયાદ લેવામાં આવતી નથી અને પોતાને ન્યાય મળી શકે તેમ ન હોવાથી પુત્રીએ ઝેરી દવા પી લીધી હોવાનું જણાવ્યું હતું. જેથી ખંભાળીયાના ડીવાયએસપી આ પ્રકરણમાં જોડાયા છે અને વિશેષ તપાસ હાથ ધરી છે.
મોટી રકમના તોડની શંકા
સગીરાના પિતા દ્વારા એવો પણ આક્ષેપ કરાયા છે કે મારી પુત્રીનું અપહરણ કરાયા પછી ત્રણેક શખ્સો દ્વારા ગેંગરેપ કરાયો છે અને આ સમગ્ર પ્રકરણ પર ઢાક પીછોડો કરવામાં આવી રહ્યા છે સગીરાના મામા સાથે પણ આરોપીઓ દ્વારા મોટી રકમનો તોડ કરી દઇ સગીરાનો કબજો મામા હસ્તક મને સોંપી દેવામાં આવ્યો છે આ તમામ આક્ષેપોને લઇને ખંભાળીયા એસ.પી. તેમજ ડીવાયએસપી સહીતના ઉચ્ચ અધીકારીઓ ઉંડાણપૂર્વકની તપાસમાં જોડાયા છે. ભાણવડ પોલીસ સામે પણ નિષ્ક્રિયતા દાખવવા અંગેનો આક્ષેપ કરાતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ તે અંગે પણ તપાસ કરી રહ્યા છે. સમગ્ર ભાણવડ પંથકમાં આ બનાવે ભારે ચર્ચા જગાવી છે.